પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાગીદાર થતો હતો. તેથી જો મારે તે રાજ્યની સાથે છેવટે વહેવાર રાખવો હોય, તે રાજ્યના વાવટા નીચે રહેવું હોય, તો કાં તો મારે યુદ્ધનો ઉઘાડી રીતે વિરોધ કરી જ્યાં લગી તે રાજ્યની યુદ્ધનીતિ બદલાય નહીં ત્યાં લગી તેનો સત્યાગ્રહના શાસ્ત્ર પ્રમાણે બહિષ્કાર કરવો જોઇએ, અથવા તેના ભંગ કરવા યોગ્ય હોય તેવા કાનૂનોનો સવિનય ભંગ કરી જેલનો રસ્તો શોધવો જોઇએ, અથવા મારે યુદ્ધપ્રવૃત્તિમાં ભાગ લઈ તેની સામે થવાનાં શક્તિ અને અધિકાર મેળવવા જોઇએ. આવી શક્તિ મારામાં નહોતી. એટલે મારી પાસે યુદ્ધમાં ભાગ લેવાનો જ રસ્તો રહ્યો હતો એમ મેં માન્યું

બંદૂકવાન અને તેને મદદ કરનાર વચ્ચે અહિંસાની દૃષ્ટિએ કંઇ ભેદ નથી જાણ્યો. જે માણસ લૂંટારાની ટોળીમાં તેની આવશ્યકતા ચાકરી કરવા, તેનો ભાર ઊંચકવા, તે લૂંટ કરતો હોય ત્યારે તેની ચોકી કરવા, તે ઘાયલ થાય તો તેની સેવા કરવા રોકાય છે, તે લૂંટને વિષે લૂંટારાના જેટલો જ જવાબદાર છે. એ પ્રમાણે વિચારતાં લશ્કરમાં ઘાયલની સારવાર કરવાના જ કામમાં રોકાઇ જનાર યુદ્ધના દોષોમાંથી મુક્ત નથી રહી શકતો.

આ વિચારો મેં પોલાકનો તાર આવતા પહેલાં જ કરી મૂકેલા હતા. તેમનો તાર આવતાં મેં તેની ચર્ચા કેટલાક મિત્રોમાં કરી. યુદ્ધમાં ભાગ લેવામાં મેં ધર્મ માન્યો; ને આજે પણ તેનો વિચાર કરું છું તો મને ઉપરની વિચારશ્રેણીમાં દોષ નથી લાગતો. બ્રિટિશ સામ્રાજ્ય વિષે હું ત્યારે જે વિચારો ધરાવતો હતો તેને અનુસરીને મેં ભાગ લીધો, તેથી તેનો મને પશ્ચાતાપ પણ નથી.

હું જાણું છું કે મારા ઉપલા વિચારોની યોગ્યતા હું ત્યારે પણ બધા મિત્રોની પાસે સિદ્ધ નહોતો કરી શક્યો. પ્રશ્ન ઝીણો છે. તેમાં મતભેદને અવકાશ છે. તેથી જ અહિંસાધર્મને માનનારા ને સૂક્ષ્મ રીતે તેનું પાલન કરનારાઓ સમક્ષ બને તેટલી સ્પષ્ટતાથી મેં મારો અભિપ્રાય રજૂ કર્યો છે. સત્યનો આગ્રહી રૂઢિને વળગીને જ કંઇ કાર્ય ન કરે, તે પોતાના વિચારને હઠપૂર્વક ન વળગે, તેમાં દોષ હોવાનો સંભવ હંમેશા માને, અને તે દોષનું જ્ઞાન થાય ત્યારે ગમે તેટલાં જોખમો હોય તે ખેડીને પણ તેનો સ્વીકાર કરે ને પ્રાયશ્ચિત પણ કરે.