પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૭. સાથીઓ

બ્રજકિશોરબાબુ અને રાજેન્દ્રબાબુ તો અદ્વિતિય જોડી હતા. તેમના વિના હું એક પણ ડગલું આગળ ન જઈ શકું એવો પોતાના પ્રેમથી તેમણે મને અપંગ બનાવી મૂક્યો હતો. તેમના શિષ્યો કહો કે સાથીઓ એવા શંભુબાબુ, અનુગ્રહબાબુ, ધરણીબાબુ અને રામનવમીબાબુ, આ વકીલો લગભગ નિરંતર સાથે જ રહેતા. વિંઘ્યાબાબુ અને જનકધારીબાબુ પણ વખતોવખત રહેતા. આ તો થયો બિહારી સંઘ. તેમનું મુખ્ય કામ લોકોની જુબાનીઓ લેવાનું હતું.

અધ્યાપક કૃપલાનીથી આમાં જોડાયા વિના રહેવાય એમ જ નહોતું. જાતે સિંધી છતાં તે બિહારીના કરતાં પણ વધારે બિહારી હતા. એવા થોડા સેવકોને મેં જોયા છે જેમની શક્તિ જે પ્રાંતમાં જાય તેમાં પૂર્ણતાએ ભળી જવાની હોય ને પોતે જુદા પ્રાંતના છે એવું કોઈને જાણવા ન દે. એમાંના કૃપલાની એક છે. તેમનો મુખ્ય ધંધો દ્વારપાળનો હતો. દર્શન કરનારાઓથી મને બચાવી લેવામાં તેમણે જિંદગીની સાર્થકતા આ સમયે માની લીધી હતી. કોઈને વિનોદથી મારી પાસે આવતા અટકાવે તો કોઈને અહિંસક ધમકીથી. રાત પડે ત્યારે અધ્યાપકનો ધંધો શરૂ કરે ને બધા સાથીઓને હસાવે, ને કોઈ બીકણ પહોંચી જાય તો તેને શૂર ચડાવે.

મૌલાના મજહરુલ હકે મારા મદદગાર તરીકે પોતાનો હક નોંધાવી મૂક્યો હતો; ને મહિનામાં એક બે વખત ડોકિયું કરી જાય. તે વખતનો તેમનો ઠાઠ અને દમામ અને આજની તેમની સાદાઈ વચ્ચે આસમાન જમીનનું અંતર છે. અમારામાં આવીને તેઓ પોતાનું હૃદય ભેળવી જતા, પણ પોતાની સાહેબીથી બહારના માણસને તો અમારાથી નોખા જેવા લાગતા.

જેમ જેમ હું અનુભવ મેળવતો ગયો તેમ તેમ મને લાગ્યું કે, ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી