પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્મ કથા : ભાગ ૨


૧. રાયચંદભાઈ

છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિષે એ નવાઈની વાત ન ગણાય. દરિયો એડનથી જ એવો હતો. સહુ માંદા હતા, એકલો હું મજા કરતો હતો. તોફાન જોવા ડેક ઉપર રહેતો. ભીંજાતો પણ ખરો. સવારના ખાણા વખતે ઉતારુઓમાં અમે એક બે જ હોઈએ. અમારે ઓટની ઘેંસ રકાબી ખોળામાં મૂકીને ખાવી પડતી, નહીં તો ઘેંસ જ ખોળામાં પડે એવી સ્થિતિ હતી !

આ બહારનું તોફાન મારે મન તો અંતરના તોફાનના ચિહ્‌નરૂપ હતું. પણ બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિષે પણ કહી શકાય એમ મને લાગે છે. ન્યાતનો પ્રશ્ન તો હતો જ. ધંધાની ચિંતાને વિષે લખી ચૂક્યો છું. વળી હું સુધારક રહ્યો એટલે મનમાં કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા તેની પણ ફિકર હતી. બીજી અણધારી ઉત્પન્ન થઈ.

માનાં દર્શન કરવા હું અધીરો થઈ રહ્યો હતો. અમે ગોદીમાં પહોંચ્યા ત્યારે મારા વડીલ ભાઈ હાજર જ હતા. તેમણે દાક્તર મહેતાની અને તેમના વડીલ ભાઈની ઓળખાણ કરી લીધી હતી. દા. મહેતાનો આગ્રહ મને પોતાને ત્યાં જ ઉતારવાનો હતો, એટલે મને ત્યાં જ કઈ ગયા. આમ જે સંબંધ વિલાયતમાં થયો તે દેશમાં કાયમ રહ્યો ને વધારે દૃઢ થયો, તેમ જ બેઉ કુટુંબમાં પ્રસર્યો.

માતાના સ્વર્ગવાસ વિષે હું કંઈ નહોતો જાણતો. ઘેર પહોંચ્યા પછી તે ખબર મને આપ્યા ને સ્નાન કરાવ્યું. મને આ ખબર વિલાયતમાં જ મળી શકત; પણ આઘાત