પૃષ્ઠ:Atmavruttanta.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
3. ઉચ્ચ અભ્યાસ

મુંબઈ જેવું હજારો આકર્ષણોથી ભરેલું નગર, માથે કોઈ સંભાળ રાખનાર મુરબી નહિ, ૧૮ વર્ષનું યુવાવસ્થાનું ઉચ્છૃંખલ શરીર ને જેવી જોઈએ તેવી સોહોબતની સુલભતા, માબાપ તરફથી વિદ્યોપાર્જન નિમિત્તે માંગીએ તેટલું દ્રવ્ય મળવાનો સંભવ, એવા પ્રસંગમાં જે કેવળ પોતાનો સ્વાર્થ જ સાધી બીજી રીતે દૂષિત ન થાય એવા તો કોઈ હજારે એક-બે પ્રભુની કૃપાના પાત્ર હોય તો હોય! મેં તો જોયા નથી. स योगी अथवा पशु:। એમ હોય તેની જુદી વાત. કૉલેજમાં દાખલ થઈ હું રેસીડેન્ટ સ્ટુડન્ટ થયો. મારી સાથે તે વખતે લગભગ ૪૦ ગુજરાતી રેસીડેન્ટ સ્ટુડન્ટ હતા, તે સર્વ મારાથી પાંચ-પાંચ દસ-દસ વર્ષ મોહોટા હતા. કોલેજમાં ધર્મનું તો નામ ન મળે. નાતજાત સર્વે માણસ એ સિવાય બીજી સમજાય નહિ. ગુજરાતીઓમાં પોતપોતાની પ્રકૃતિ મુજબ જુદી જુદી મંડળીઓ હતી. તે સર્વેમાં થોડેઘણે અંશે દારૂ, માંસ, વગેરેનું ભક્ષણ તથા રંડીબાજીના બહાર ચાલ્યાં જતાં. જમવા ખાવામાં કોઈ બૂટ પહેરીને જમે, તો કોઈ નાહ્યા વિના જમે તો કોઈ ઝાડે ફરી આવી જમીને નહાય. વાણીયા બ્રાહ્મણ પારસી મુસલમાન સર્વે જાહેર, છુપા પણ ભેગા વ્યવહાર કરે. ભાવનગરના એક-બે નાગર બહારનો દેખાવ સાચવતા તથા અમદાવાદીઓ ભયના માર્યા બધું ધીમે ધીમે કરતા. મારે આમાં કોઈનું પિછાન મળે નહિ, પણ મારો સાથી છગનલાલ લલુભાઈ જે મારા પહેલો પાસ થઈ નોકરી રહ્યો એમ લખ્યું છે, તે આ વેળે કોલેજમાં ભણવા રહેતો હતો તેને આશ્રયે આવી મેં મુકામ કર્યો. તે તથા હું સાથે રહેતા ને અમારે ધીમે ધીમે વડોદરાના જમાદાર યુસુફઅલી યાકુબઅલી નામે મુસલમાનનો સંબંધ થયો. તે મુસલમાન છતે વ્યભિચારથી કે વ્યસનથી કેવલ વિમુખ, વગર પરણેલો પણ નિયમિત અને સ્વભાવે માયાળુ તથા ઉદાર મનનો માણસ હતો. તેને ને મારે ઘણો સ્નેહ થયો. અમે સાથે વાંચતા અને છેક બી. એ. સુધી પાસ પણ સાથે થયા. હાલમાં તે મારો સાચો મિત્ર છે ને વડોદરામાં સર્વે ખાતામાં રૂ. ૪૦૦)ના પગારથી સારી નોકરી પર છે. એક ત્રીજો મિત્ર મળ્યો.

૨૧