પૃષ્ઠ:Balgeeto.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઈચ્છાઓના લીટા

મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.
દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…
મનજીભાઈ તો એના મનનું
ધારેલું કરવાના;
એની ચોટી છટકી ગઈ તો
નક્કી સૌ મરવાના,
ઢીલ જરી દીધી તો થઈ જાશે એ આઘા-પાછા…
મનજીભાઈને મળવાનું, ભઈ !
લાગે આમ તો સ્હેલું;
કોઈ ન જાણે કઈ ગલીમાં
ઘર એનું આવેલું,
પણ એના વિના તો નક્કામા છે સૌ સરનામા…