વાસનાવાળો દેહ આ અનંત બ્રહ્માંડમાં પોતાને અનુકૂલ કોઈ સ્થિતિમાં રહે છે, એ રહેવાને અનેક રીતે વર્ણવી, તેને સ્વર્ગ નરક એવાં રૂપકથી શાસ્ત્રોએ સમજાવેલું છે. વાસનારૂપી પોષણ વિના એ દેહ જીવી શકતો નથી. તેને પોષણ લેવાનાં દ્વાર તો સ્થૂલ દેહ વિના મળતાં નથી. માટે જન્મ ન પામે ત્યાં સુધી એ દેહમાં કશી નવી વાસના પેદા થતી નથી, ને જન્મ પામવાથી જ તેને બીજી સારી વાસનાઓ પામી ઉત્તમ માર્ગે જવાનો કે નઠારીમાં પડી જવાય તો નઠારે માર્ગે જવાનો પ્રસંગ મળે છે. આટલા માટે આ સ્થૂલ જગતને કર્મલોક એટલે નવી વાસના પ્રાપ્ત કરવાનું ઠેકાણું કહે છે. જે ધર્મવાળા કહે છે કે મુવા પછી તુરત સ્વર્ગમાં કે નરકમાંજ પડાય છે, ને ત્યાંથી કદી ફરી જન્મ થતો નથી, તે એક રીતે કેવલ અન્યાયની વાત બતાવે છે કેમકે માત્ર પાંચ પચાસ વર્ષના એકજ જન્મથી કરોડો કે અસંખ્ય વર્ષ સુધી નિરંતર સ્વર્ગ કે નરક મળે, ને થઇ ગયેલી ભુલ ફરીથી સુધારવાનો સમય ન આવે એવું હોય, એ તો અન્યાયજ કહેવાય. કુદરતનો નિયમ એવો છેજ નહિ, તે ઘણામાં ઘણી દયાલુ છે, બગડે તેને પોતે જ સુધારવું, તેને સુધારવાનો પ્રસંગ આપવો, એવો તેનો નિયમ આપણે આપણા સાધારણુ મંદવાડમાં પણ જોઈએ છીએ. તો પુનર્જન્મનો પ્રસંગ વારે વારે ન આવતો હોય એવું તો હોયજ નહિ. માટે એક જન્મને છેડે અનંતકાલ સુધીનું સ્વર્ગ નરક છે એ વાત ઠીક નથી લાગતી. એમજ જે લોક પુનર્જન્મ નથીજ એમ કહે છે, તે પણ ખરૂ કહેતા નથી કેમ કે હવણાજ આપણે જોયું કે વસ્તુન નાશ કદી પણ થતો નથી અને સૂક્ષ્મદેહ મરતો નથી.
પણ પુનર્જન્મ નથી એમ કહેનારાની તકરાર બીજ એ છે કે વસ્તુનો નાશ નથી થતો તે ખરે છે, ને મરણ પછી તે વસ્તુ ગમે તે કોઈ રૂપે રહે એ પણ ખરું છે, તથાપિ જે વસ્તુ એકવાર હતી તે જ ફરી અમુકરૂપે થઈ એમ કેમ મનાય ? આવું માનવુંજ જોઈએ એમ બતાવવા માટે આપણે ઉલટી રીતી લેઇએ, અમુક વસ્તુ એક વાર હતી તે જ ફરી અમુક રૂપે થઈ એમ ન માનવું, ત્યારે નાનાં બાલક અવતરીને તુરત મરી જાય છે, માણસો પણ બધા સરખું જીવતાં નથી, કોઈ અવતરે ત્યાંથી જ ધનવાન, કોઇને અવતરતાં માબાપનું પણ ખાવાનું નાશ પામે, કઈ શ્રમ કરીને મરી જાય પણ કોડી ન પામે, કોઈને ઠોકર વાગતાં ચારૂ નીકળે. એ બધું શી રીતે થતું હશે ? આટલુંજ નહિ પણ આપણે હજારો ઠગારાં, લુચ્ચા દગલબાજ માણસ જોઈએ છીએ ને તે મરતાં સુધી સુખમાંજ મહાલતાં દેખાય