પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૭
સંયમ ભાંગ-૧.

થઈ શકે તે ગમે તેવે માર્ગ ચઢી જવું એ અનેક પ્રકારની ગુંચવણોનું અને અનેક દુઃખનું કારણ છે. આપણને જે યોગ્ય હોય તેજ ઈચ્છવું એ ઠેકાણે મન ઉપર અંકુશ રાખવાની જેટલી અગત્ય છે તેટલી જ ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત ન થાય તે સમયે પણ રાખવાની છે. પણ આ ઉપરાંત ઘણાં કને કોઈ એકાદ એવી ટેવ પડેલી હોય છે કે જેને સંતોષવા વિના તેમને ચેન પડતું નથી, આવી એક ટેવ કદાપિ નિર્દોષ જેવી જણાતી હોય તો પણ તેમાંથી બીજી અનેક પેદા થાય છે, ને છેવટ ઘણી હાનિ ઉપજાવે છે. માણસે એવા રહેવું જોઈએ કે કશાને પણ આધીન થઈ જવાયું હોય નહિ, ફલાણા વિના ચાલશેજ નહિ એમ હોય નહિ, નિરંતર બીજાની વાહવાહ કે સાબાશી સાંભળવાની ઉમેદ કરતાં આપણા પોતાનાજ અંતઃકરણની શાન્તિ સાચવવાનો માર્ગ સાધ્યો હોય તો વધારેમાં વધારે સુખ ઉપજે છે. એટલા માટે આપણને આપણા મન ઉપર ઘણામાં ઘણો સંયમ રાખવાની અપેક્ષા છે. એક વિદ્વાને કહ્યું છે કે જગતમાં સુખ છે તે કોઈ વસ્તુમાં રહેલું નથી, કેવલ પોતાના મનના સંતોષમાં જ રહેલું છે; કેમકે જગતના જેટલા જેટલા પદાર્થ છે. તેનો એવોજ સ્વભાવ છે કે એકને પામ્યાથી બીજાને પામવાની ઈચ્છા થાય છે, બીજાથી ત્રીજાની થાય છે, ને એમ કદી છેડૉ આવતો નથી. જેને થોડામાં થોડી તૃષ્ણા છે એટલે જે ઘણામાં ઘણાં સંતોષી છે તે જ સુખી છે. આવો સંતોષ સંયમ વિના પેદા થતો નથી. આપણે જે સ્થિતિમાં હોઈએ તે સ્થિતિમાં સારામાં સારા કહેવાઈએ તેવાં થવાને નિરંતર પ્રયત્ન કરવું. પણ મનને કેાઈ અયોગ્ય વાસનાની પાછળ ભમતાં અટકાવવા માટે નિરંતર સંયમનો અભ્યાસ રાખવો. નાના નાના વિષયોમાં પણ સંયમ રાખવાની જરૂર છે. એટલું જ નથી પણ વિચારમાં પણ સંયમ રાખવાની જરૂર છે, કેમકે અયોગ્ય વિચાર, આજ નહિ , તો કોઈ કાલે પણ, અયોગ્ય કામ ઉપજાવ્યા વિના રહેતા નથી.

મન ઉપર સંયમ રાખવાની સાથે જ શરીર ઉપર પણ સંયમ રાખવાની અપેક્ષા છે. ઘણાંકને આપણે એમ બોલતાં સાંભળીએ છીએ કે અમારા મનમાં તો આમ હતું, પણ આમ થઈ ગયું. આ બોલવું માત્ર પોતાની જાતને તેમ સામાને ઠગવા માટેજ ખોળી કાઢેલું છે. મનમાં જે નિશ્ચય હોય તો શરીર કોઈ દિવસ પોતાની મેળે તેથી અવળું ચાલી શકતું નથી. ઉલટું એમ તો કેઈવાર થાય છે કે મનમાં કોઈ વિચાર નઠારો થયો હોય પણ શરીરને તે પ્રમાણે ચાલવા ન દીધું હોય તો તે વિચાર નાશ