કર્તવ્યતા આવી છે એમ આપણને, ધર્મ નીતિ ઈત્યાદિના સર્વ પાઠ વિચારતાં નિશ્ચય થાય છે. જ્યારે સામાન્ય રીતે આખા જગત્ પ્રતિ માણસનો આવો ધર્મ છે ત્યારે જેની સાથે જીવતાં સુધી બંધાયા હોઈએ તેના પ્રતિ એ ધર્મ આચરવો એ તો પ્રત્યેક જનનો કેટલો આવશ્યક ધર્મ છે તે સમજવું સહજ છે.
માણસની સર્વથી પહેલી ફરજ પોતાની જાતે આ પ્રમાણે સાદાં થવાની છે, ને તેના ભેગી અથવા તે પછીની બીજાને પોતાના જેવાં સારાં કરવાની છે. સ્ત્રીઓએ સારી કન્યારૂપે ઉત્તમ જીવીત ગાળ્યા પછી, સારી પત્ની રૂપે ઉત્તમ જીવીત ગાળવાનું છે, ને છેવટ સારી માતારૂપે ઉત્તમોત્તમ વાત્સલ્યમાં વિરમવાનું છે. સ્ત્રીઓ આવી ઉત્તમ હોય તેના લાભ અનંત છે. જ્યાં સ્ત્રીઓ સતીધર્મ પાળા ખરી ઉત્તમાધિકારી નીવડેલી હોય છે તે કુટુંબ પ્રતિષ્ઠિત થાય છે, તે કુટુંબમાં લક્ષ્મીનો વાસ વસે છે, ને તે કુટુંબ સર્વથા સુખી થાય છે. જ્યાં સ્ત્રીઓ દુરાચારી, સ્વછંદી, અને કંકાસ કરનારી હોય છે, ત્યાં અતિ દરિદ્રતાનો નિરંતર વાસ વસે છે, ને સર્વ પ્રકારનાં દુઃખ તે ઠામે ખેંચાઇને ભેગાં થાય છે. જેમાં એક કુટુંબનું છે તેમ આખા દેશનું પણ છે. કોઈ દેશની સ્થિતિ વિષે વિચાર કરવો હોય તો તે દેશની સ્ત્રીઓની અવસ્થાનો વિચાર કરવો એટલે તે દેશના સાંસારિક સુખનો હીસાબ સહજે હાથમાં આવી શકશે. વિદ્વાનોએ આવું જે કહ્યું છે તે બહુ યથાર્થ છે કેમકે સ્ત્રીઓના પ્રેમભાવથી ઉત્તેજન પામે તોજ સંસાર સુખરૂપ પ્રવર્તે છે, નહિ તો કેવલ દુઃખમય વેરાન જેવો ખેદકારક લાગે છે. આ પ્રમાણે સંસારનું સારા કે નઠારા હોવાપણું સ્ત્રીઓના પ્રેમ અને ઐકય ઉપર આધાર રાખે છે.
સ્ત્રીઓ આટલુંજ કરી શકે છે એમ નથી, પણ તેમની શક્તિથી જેમ એક પાસા મહાપરાક્રમી અને મહાવિદ્વાન પુરૂષો ભાત ભાતના પ્રેમામૃતથી સજીવન થઈ પ્રવર્ત્યા છે, તેમ બીજી પાસાથી અતિ કુમાર્ગગામી દુષ્ટો સ્ત્રીના પ્રેમમાં પીગળી તવાઇને શુદ્ધ થઈ બહાર આવ્યા છે. આમ સ્ત્રીઓનામાં એવી કોઈક શક્તિ છે કે જે મહાકાર્યો પ્રતિ પ્રેરવાને સમર્થ છે, પુરૂષોને નવાં નવાં કામ કરવાને ઉત્સાહ આપે છે, ને સર્વદા તેમને આનંદથી શ્રમ કરાવવાનું સાધન છે, તેમ નઠારાને પણ સારૂ કરી લેવાનું, દુષ્ટને પણ પવિત્ર કરવાનું એક જાદુ છે. સ્ત્રીઓની પ્રેરણા વિના કોઈ મહા કાર્ય સધાયું નથી, સ્ત્રીઓના અભાવે પુરૂષોએ કશું કરાયું નથી. આમ જેમ આખા સંસારમાં સુખનું મૂલ સ્ત્રી છે, તેમ પુરૂષમાત્રને ઉત્તમ પ્રવૃતિએ ચઢાવનાર પણ સ્ત્રી જ છે.