પણ અસર કરે છે: ને એજ રીતે મન નીતિ અથવા ધર્મ ગમે તે એકના કે સર્વના સંબંધનું જે કામ તે પણ શરીર સહિત ચારને અસર કરે છે. આ નિયમ એટલો બધો નિશ્ચયપૂર્વક સિદ્ધ મનાય છે કે તેનાં ઉદાહરણ પ્રત્યુદાહરણો અત્રે આપવાની અપેક્ષા નથી. એક બીજી વાત પણ જણાવવી જોઈએ. આ ચારે વાત ઉપર સંપૂર્ણ વિચાર આવે તે માટે તો બીજું માણસ આપણે માટે કાળજી રાખે તે કરતાં આપણે પોતેજ સમજી વિચારીને માર્ગ કરવાનો છે; પણ બાલકોને તે પ્રમાણે સમજવાની શક્તિ આવે ત્યાં સુધી માતા પિતાને માથે તે કામ રહે છે, ને તેથી એ વાત આવશ્યક થઈ પડે છે, કે શરીર, મન, નીતિ અને ધર્મ એ ચારે વાતમાં જયારે બાલક સ્વતંત્ર રીતે વિચાર કરતાં શીખે તે સમયે તે ઉત્તમમાં ઉત્તમ માર્ગે ચઢે, એટલી સામગ્રી, તેને તેનાં માતાપિતાએ પ્રથમથી આપી મૂકવી જોઈએ. એ સામગ્રી પૂરી પાડવી અને તેને સ્વતંત્ર રીતે સ્વાશ્રયથી માર્ગ લેતાં શીખવવું એટલું જ માબાપનું કર્તવ્ય છે, ને ત્યાં સુધી જ માબાપનો બાલક ઉપર પૂર્ણ અધિકાર છે; કેમકે તે પછી તે પુત્રને પણ મિત્ર સમાન ગણવો એમ શાસ્ત્રની આજ્ઞા છે.
ત્યારે આ પાઠમાં નીતિ અને ધર્મ વિશે કહેવાશે. ધર્મ એટલે શું તે ધર્મના પાઠમાં સમજાવેલું છે, તેમ નીતિ અને ધર્મને શો સંબંધ છે તે પણ સમજાવેલું છે, એટલે જે નિશ્ચયને આધારે આ પાઠ લખાશે તે નિશ્ચય તમને સમજાવવાની અપેક્ષા નથી. એ વાત સ્મૃતિમાં ન હોય તો “ધર્મ” અને “ વ્યવહાર નીતિ ” ના પાઠ ફરીથી વાંચો. નીતિ એ ધર્મનો જે નિશ્ચય હોય તેને પાર પાડવાનો માર્ગ છે, ને ધર્મ છે તે જીવનમાં શું ઉત્તમ સુખ રૂપે અનુભવવું તે સમજવાનો માર્ગ છે. માતાએ બાલકને એવે માર્ગે ચઢાવવું જોઈએ, તેના લક્ષમાં એવી રીતિ કૃતિ આણવી જોઈએ, કે જેથી તેને એમ નિશ્ચય થાય કે આ વિશ્વની અનંત રચનામાં જે સર્વત્ર જે તેજ સુખ રૂ૫ છે, બીજુ બધું મિથ્યા છે, ને તેનો અનુભવ થાય એ માર્ગ વિના બીજા માર્ગ પણ નઠારા નહિ, તો નકામા તો છે જ. પોતાનાથી અધિક જેમ પોતાનાં માત પિતા ઈશ્વરસ્થાને છે, તેમ તેમનાથી અધિક તેમનાં માતા પિતા, કે તેમનાં ગુરૂજન, ઇશ્વરસ્થાને છે; ને એમ પરસ્પર સંબંધ જોતાં અનન્ત વિશ્વમાં કોણ કોના ઈશ્વરસ્થાને છે એ વિચારતાં અક્કલ ગુમ થાય છે, છેવટે સર્વત્ર એકાકાર રહેલા પરમધામથી આત્મા ઠરે છે. આ વાત જે જે સાદા પ્રકારથી, સાદી વાતોથી, સાદા દષ્ટાન્તથી,