મળીશ. એમ કહી આગળ ચાલી પણ જલ મળ્યું નહિ. ત્યારે ગોદાવરી, સરસ્વતી, નર્મદા આદિ મહા નદીઓની પ્રાર્થના કરી, એક કમંડલુ તેમના પ્રભાવથી ભરેલું રહેતું, પણ આજ મને જલ મળતું નથી એમ પરિતાપ કરી, મૂર્છા ખાઈ પડી, તેજ સમયે ભાગીરથીએ આવી એની આશ્વાસના કરી એને ઉઠાડી, ને પોતે ત્યાં પ્રકટ થયાં, તેમાંથી અનસૂયાએ જલ લીધું; એવી પ્રાર્થના કરી કે હે માતા ! તમે અત્રે પધાર્યા છો એ જાણતાં મારા પતિ તમારાં દર્શન ઇચ્છશે, માટે કૃપા કરી અત્ર ક્ષણમાત્ર સ્થિતિ કરો. ભાગીરથીએ કહ્યું કે તારી એક દિવસની પતિ સેવાનું પુણ્ય મને આપ તો હું તેમ કરૂં. અનસૂયાએ તે વાત સ્વીકારી, પછી પતિ પાસે જઈ શરમાતે શરમાતે વાર્તા નિવેદન કરી, અત્રિ પણ પોતાની પતિવ્રતા પત્નીને બહુ બહુ પ્રશંસતા ત્યાં આવી ભાગીરથીનું જલ સ્પર્શી આનંદ આનંદ પામ્યા. એમણે ભાગીરથીને ત્યાંજ સ્થિતિ કરવા વિનવ્યાં. તે ઉપરથી ભાગીરથીએ કહ્યું કે તમે ભગવાન શંકરને જે અત્ર બોલાવો, અને અનસૂયા જો એનું એક વર્ષનું પતિસેવાનું પુણ્ય મને આપે તો સતીસમાગમ કરતાં બીજું શું વધારે છે, એટલે હું અત્ર રહું. એ પ્રમાણે અત્રિ તથા અનસૂયાએ કર્યું એટલે ભાગીરથી ત્યાં રહ્યાં. દક્ષિણમાં અત્રીશ્વર મહાદેવ, અને દુકાળમાં પણ ન સૂકાઇ જનારી એવી અત્રિગંગા છે, તે અનસૂયા ને અત્રિના પ્રભાવનું ફલ છે એમ કથા છે.
એક સમય ઇંદ્રને મોખરે રાખીને દેવમાત્ર અનસૂયા પાસે આવ્યાં, અને પોતાની મહા આપત્તિ આ પ્રમાણે નિવેદન કરવા લાગ્યા. વર્ધમાનપુરમાં વીરશર્મા નામે એક બ્રાહ્મણ હતા, જેને ઘણાં વર્ષ પછી એક પુત્રી નર્મદા એ નામે થઈ. નર્મદાની માતા પ્રસુતિકાલે જ મરી ગઈ, ને તેનો પિતા પણ તેને પોતાના એક મિત્રને સોંપી મરી ગયા. એમ કરતાં પેલો મિત્ર પણ મરી પરવાર્યો, અતિ વિદુષી એવી નર્મદાએ પોતાના ઉપર અને સંસાર ઉપર નિર્વેદ પામી, તપશ્ચર્યા કરવાનો નિશ્ચય કર્યો. તપ કરતાં એવી સિદ્ધિ એણે પ્રાપ્ત કરી કે સદેહે સ્વર્ગમાં ગઈ, ને ઇન્દ્રસભામાં સ્થાન પામી. એક સમય સભા વિસર્જન થયા પછી, પોતે ત્યાં કોઈ કારણથી પાછી ગઈ, તો એણે જોયું કે પોતાને બેસવાની જગો લીપી લેવામાં આવેલી છે. એની તપાસ કરવાથી કે એવી સાધ્વીના ભયે હાથ જોડી વિનંતિ કરી કે તમે પતિસેવાથી તમારી જાતને અનુર્ણ કરી નથી,