સ્પર્ધા
માણસ પોતોતાની સ્થિતિ હાથે લેઈ કરીને અવતરેલાં નથી એ વાત આપણે સારી પેઠે જાણીએ છીએ; તેમ એ પણ સારી પેઠે જાણીએ છીએ કે નિત્ય પ્રવૃત્તિમાં રહેવું એજ આપણા ભાગ્યમાં છે, તેના ફલ ઉપર આપણો અધિકાર નથી. આવું છે, એટલે એવી કેઈ વાત હોય કે જેને માટે આપણે બીજાની ઈર્ષા કરવી? અને એમ છતાં ઈર્ષ્યાથી જે કાંઈ લાભ થતો હોય તે જુદી વાત છે, પણ તે સર્વદા હાનિજ કરે છે. છતાં આટલો સાદો વિચાર ન કરતાં, કેટલાંક માણસને ઈર્ષ્યા કર્યા વિના ચાલતું જ નથી. તેમને પોતાની જે સ્થિતિ હોય તેનાથી અસંતોષ થયો હોય છે એટલે એક દુઃખ તો હોય જ છે, પણ તેમાં, બીજાની પોતાનાથી વધારે સારી સ્થિતિ જોઈને તે જે બળતરા કરે છે તે રૂપી દુઃખ પણ પોતે હાથે કરીને ઉમેરે છે. એમ ઈચ્છે છે કે મારે જેવું છે તેવું અથવા તેથી પણ ઓછું બીજાને શી રીતે થાય, અમુક મ્હોટા જણાતાં માણસ કેવી રીતે નીચાં પડે, પણ એમ નથી ઈરછતાં કે અમે પોતે એટલો ઉદ્યોગ કરીએ, કરતાં જે પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખીએ, અને એમ જે મહોટાં જણાતાં હોય તેમને જઈ પહોંચીએ. જે શ્રમ પડે છે તે બન્ને માર્ગે એકનો એકજ છે, પણ બે માર્ગમાં કેટલો ભેદ છે ! એકમાં અતિ કલેષ અને નીચતા તથા પાપ છે; બીજામાં આનંદ, ઉત્તમતા, અને ધર્મ છે. એકનું નામ ઈર્ષ્યા, બીજાનું નામ સ્પર્ધા, ઈર્ષ્યા નઠારો દુર્ગુણ છે; સ્પર્ધા ઉત્તમ ગુણ છે.
એકથી ચઢિયાતું હોય તેનો ઉપયોગ એટલો જ છે કે તેને જોઈને બીજા પણ તેવાં થવાનું આરંભે; પણ તેનો ઉપયોગ એ નથી કે બીજાં તેમને જોઇને દુ:ખી થાય, અને તેમને જે તે રીતે નીચાં પાડવાને મથવા મંડે. એકબીજાની સ્પર્ધા કરવાથી આ જગતમાં ઘણીક ઉત્તમ વસ્તુઓ પેદા થઈ છે, ને ઘણાક મહાન મનુષ્ય થઈ ગયાં છે. જે પોતાનું કર્તવ્ય સમજે છે, અને જેને યથાર્થ સમજણ છે, તેવાં માણસ જે ઉદ્યોગ કરે છે, અને જે પ્રવૃત્તિમાં રહી પોતાની જીંદગી સુધારવા મથે છે, તેને માટે