પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ૩. પરિસ્થિતિને પહોંચી વળવાની કળા — જપ્તી કરવાનું જ્યારે શરૂ થયું ત્યારે તો ખાતેદારો પોતાની દુકાન અથવા ઘર બંધ કરી રાખે એટલું જ કહેવામાં આવતું હતું. તેમને ‘આપણાં નળિયાં ભંગાવી પડોશીનું ઘર બચાવવાનો’ પાઠ શીખવવામાં આવતો હતો, પણ જ્યારે પ્રચંડ ભઠ્ઠી સળગી ત્યારે આખા તાલુકાને કારાગૃહમાં પુરાવાની સરદારે સલાહ આપી.

જબરદસ્ત બંદોબસ્ત છતાં પણ જ્યારે પઠાણો વાડો તોડવા લાગ્યા, બારણાના નકૂચા ઉખેડવા લાગ્યા, ગાડાં ખેંચી જવા લાગ્યા, ત્યારે સરદારે તેમને કહ્યું :

“ગાડાંના સાલપાંસરાં જુદાં કરી નાંખો, પૈડાં એક ઠેકાણે રાખો, સાટો બીજી જગ્યાએ રાખો, ઘર ત્રીજી જગ્યાએ રાખો; વાડાની વાડ એવી મજબૂત કરો કે એ વાડો કૂદીને એ ન પેસી શકે, એમાં છીંડું ન પાડી શકે; બારણાં એવાં તો મજબૂત કરો કે કુહાડો લાવીને ચીરે તો જ એ બારણાં તૂટી શકે, એ લોકોને બરાબર થકવી નાંખો.”

જમીન ખાલસા થવાની વાત આવી ત્યારે પ્રથમ સરદારે વસ્તુમાત્રના નાશવંતપણાની ફિલસૂફી સમજાવી : આપણને કેટલી જમીન જોઈએ ? મુસલમાનને પાંચ હાથ અને હિંદુને તો ઘડીકવાર માટે ત્રણ ચાર હાથ જોઈએ, તેયે બળી ગયો એટલે પાછી બીજાને કામ લાગે; રેલમાં ઘરો તણાઈ ગયાં, માણસ તણાઈ ગયાં તો જમીનનું શું ? આખરે જ્યારે જમીન ખાલસા થવા માંડી ત્યારે જમીન ખાલસા કરવાની કોઈની મકદૂર નથી, સરકાર જમીનને માથે મૂકીને વિલાયત નહિ લઈ જાય, અને પોલીસો આવીને નહિ ખેડે એમ કહીને સમજાવવા લાગ્યા. અને જ્યારે પૂરેપૂરું સંગઠન થઈ રહ્યું ત્યારે લોકોને કહ્યું, ‘શરૂ કરો વાવણી, જોઈ લેશું સરકાર શું કરે છે,’ અને સરકારને પડકાર કરીને કહ્યું : ચાસેચાસ પાછા મેળવ્યા વિના આ લડાઈ બંધ થનાર નથી.

પણ સૈાથી મહત્ત્વનું શિક્ષણ અહિંસાનું હતું. જ્યારથી કલેક્ટરે ‘આગ અને અત્યાચાર’નો બાહુ ઊભો કર્યો ત્યારથી શ્રી. વલ્લભભાઈ પ્રથમ કરતાં વધારે ચેત્યા કે સરકાર તોફાન કરાવતાં ચૂકે એમ નથી, અને લડતને માટે તોફાન જેવી ઘાતક

૧૭૬