પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ ઠું
તંત્રરચના
 


તેમણે જવાબદારી લીધી. નડિયાદવાળા ભાઈ ફૂલચંદ શાહ પણ પંડ્યાજી જેવા જૂના જોગી, ખેડા, નાગપુર અને બોરસદના અનુભવી, મઢી થાણા ઉપર ગયા. બોરસદવાળા અંબાલાલ પટેલ બાલદા, અને નારણભાઈ બુહારી છાવણી સંભાળીને બેઠા.

આખા તાલુકાના મુસલમાન ભાઈઓની ખાસ સેવામાં ૭૫ વર્ષના યુવાન અબ્બાસસાહેબ તૈયબજી અને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો અનુભવ મેળવી આવેલા અનુભવી ઈમામસાહેબ રોકાઈ ગયા.

આવી લડત પ્રકાશનખાતા વિના શી રીતે ચાલે ? બધા ખેડૂતોની પાસે દૈનિક છાપાં લેવાની અથવા ‘નવજીવન’ના પણ ગ્રાહક થવાની આશા ન રાખી શકાય, અને બહારનાં છાપાં તો લડતનો બાહ્ય ચિતાર આપે. એટલે ભાઈ જુગતરામ દવેના હાથ નીચે પ્રકાશનખાતું ખોલવામાં આવ્યું. શ્રી. કલ્યાણજીને પણ પ્રકાશનવિભાગમાં ગણીએ તો ખોટું નથી. કારણ ભાઈ જુગતરામની કલામય અને કસાયેલી કલમ અને ભાઈ કલ્યાણજીનો ચિત્રો ખેંચવામાં સિદ્ધ થયેલો હાથ એ બે પ્રકાશનખાતાના પ્રાણરૂપ હતાં. આ પ્રકાશનખાતામાંથી રોજ યુદ્ધની ખબર આપનારી એક પત્રિકા કાઢવાનું, શ્રી. વલ્લભભાઈનાં ભાષણો છૂટાં છાપવાનું, મુંબઈનાં દૈનિકોને ગુજરાતી અને અંગ્રેજીમાં ખબરો મોકલવાનું, ફોટોગ્રાફ મોકલવાનું યોજવામાં આવ્યું. લડત પૂરજોસમાં ચાલવા માંડી ત્યારે આ ખાતામાં ‘યંગ ઇડિયા’ના પાકા અનુભવી ભાઈ પ્યારેલાલે જોડાઈ ને અંગ્રેજી વિભાગ કુશળતાથી સંભાળી લીધો. ખબરની પત્રિકાઓ પહેલી સાઇક્લોસ્ટાઈલથી કાઢવામાં આવતી હતી, થોડા જ દિવસમાં સૂરતમાં તે છપાવવાની વ્યવસ્થા થઈ અને આરંભથી જ ૫,૦૦૦ નકલો ઊડી જવા લાગી. આ પત્રિકાઓ લોકોનો રોજનો ખોરાક થઈ પડી, તેમને રોજરોજ લડતનો રસ લગાડી શૂર ચડાવનાર રણશિંગુ થઈ પડી. મુંબઈનાં દૈનિકો રોજરોજ એ પત્રિકાઓ સળંગ ઉતારવા લાગ્યાં, ગુજરાતના અનેક જિલ્લાઓમાં અને ગામમાં એની નકલો જવા લાગી, અને લડતના બેત્રણ મહિનામાં તો એની ચૌદ હજાર નકલો ઊડી જવા લાગી.

૪૭