પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯ મું
ખુમારીના પાઠ
 

 મંત્ર તો હતો જ. જ્યાં જાય ત્યાં તેઓ ખાદી લઈને જાય અને ખાદી વેચતાં વેચતાં પણ બધે નિર્ભયતાનો ઉપદેશ આપતાં જાય. મુંબઈના મહાધનાઢ્ય પારસી કુટુંબની આ બહેન પોતાના નાજુક શરીર છતાં જ્યારે આ ગામોમાં ફરવા લાગી ત્યારે લોકોને થઈ ગયું કે આ લડત એકબે કુસ્તીઓમાં નહિ પતે, સરકાર પણ હઠે ચડશે અને લોકોએ પણ બરાબર કમર કસવી જોઈશે.

દરમ્યાન સરકારના અમલદારની પ્રપંચજાળમાં ક્યાંક ક્યાંક લોકો ફસાતા જતા હતા. વાલોડના કિલ્લામાં તેમણે પહેલું નોંધવાજેવું ગાબડું પાડ્યું. બે વાણિયાઓને તેમણે સાધ્યા અને લોકોની આંખમાં ધૂળ નાંખવાની તેમણે બતાવેલી તરકીબને પણ તેઓ વશ થયા. ઘરમાં સહેજે હાથ લાગે એવી રીતે નાણાં રાખીને જપ્તી થવા દેવાની સલાહ તેમણે માની, અને મહાલકરી જ્યારે જપ્તીહુકમ લઈને તેમને ત્યાં ગયા ત્યારે રૂ. ૧૫૦૦ અને રૂ. ૭૮૫ ની નોટો તેમને સહેજે મળી રહી. લોકોને આ બાજીની ગંધ મળી ગઈ હતી. આવા બે જબરદસ્ત સ્થંભો ભાંગવાની ખબર વાયુવેગે ગામેગામ ફરી વળી. વાલોડમાં તો લોકોના પ્રકોપનો પાર ન રહ્યો. બંને જણનો આકરો બહિષ્કાર કરવાનો તેમણે નિશ્ચય કર્યો. શ્રી. વલ્લભભાઈને ખબર પડી કે મોડી રાત્રે તેઓ વાલોડ પહોંચ્યા અને લોકોને તેમણે શાંત પાડ્યા :

“તમને આ કૃત્યથી બહુ રોષ ચડ્યો છે એ સ્વાભાવિક છે, પણ રોષના આવેશમાં કશું કરશો નહિ. ટેકો દઈ ને તમે જેમને ઊભા રાખવા મથશો તે ઠેઠ સુધી કેમ ચાલશે ? … આપણે સરકાર જોડે લડવા નીકળ્યા છીએ, આપણા જ નબળા માણસો સાથે અત્યારે આપણે લડવું નથી. એમની સાથે લડીને તમે શું કરશો ? … હું સાંભળું છું કે હજી બીજા બેચાર આવા નબળા છે. તેમને તમે સંભળાવી દો કે પ્રતિજ્ઞા તોડી ભરવું હોય તો સીધી રીતે ભરી દો, આ ભાઈઓ જેવા પ્રપંચ કરશો તેમાં તો સરકાર પાસે પણ તમારી આબરૂ જવાની.

છેવટમાં મારી તમને એટલી જ વિનંતિ છે કે આ કિસ્સાથી આપણે ધડો લઈએ અને આપણી પોતાની જાતને વિષે વધારે જાગૃત રહીએ; આપણા ભાઈઓ માટે વધારે કાળજી રાખીએ. આ કિસ્સાને ચેરચેર કરવામાં કંઈ સાર નથી. ગંદી ચીજને ચૂંથીએ તો તેમાંથી બદબો જ છૂટ્યા કરે.

૬૭