એ વાત કેવી રીતે બનીએ તે કહેવું અશક્ય છે, કેમકે એ ડગલે ડગલે ને અણદીઠ રીતે બનતી ગઇ હતી. ઇવાનની માંદગીના ત્રીજા મહિનામાં તેની પત્ની, તેની દીકરી, તેનો દીકરો, તેનાં ઓળખીતાં, ડાક્ટરો, નોકરો, ને એ બધા ઉપરાંત તે પોતે, સહુને એવી ખબર પડી ગઇ કે બીજા માણસોને હવે ઈવાનને વિષે એટલું જ જાણવાનો રસ રહ્યો છે કે તે જલ્દી પોતાની જગા ખાલી કરે છે કે નહીં; પોતાની હાજરીથી જીવતાં માણસોને થતી બેચેનીમાંથી તેમને છોડાવે છે કે નહીં; ને પોતે પણ દુઃખમાંથી છૂટે છે કે નહીં.
ઇવાનની ઊંઘ દહાડે દહાડે ઓછી થતી ગઈ. તેને અફીણ અપાતું; મૉર્ફિયાનાં ઈંજેક્ષન અપાતાં; પણ એથી એનું દરદ ઓછું થયું નહી, એનાથી એને ઘેન ચડતું, તે અર્ધજાગૃત અવસ્થામાં પડી રહેતો, તેને લીધે સહેજ રાહત મળતી. પણ ઘેન ઊતરી ગયા પછી જે નબળાઇ આવી જતી તે દરદના જેટલી જ કે એથી પણ વધારે કષ્ટદાયક લાગતી.
ડાક્ટરોના હુકમથી એને માટે ખાસ વાનીઓ બનાવાતી. પણ એ બધી વાનીઓ એને દહાડે દહાડે વધારે ને વધારે બેસ્વાદ ને અળખામણી લાગતી ગઇ.
એના ઝાડાપેશાબને માટે પણ ખાસ ગોઠવણ કરવી પડી હતી. એથી તેના દિલને દરેક વખતે દુઃખ થતું—એ ક્રિયાની અસ્વચ્છતા, એનો બેહૂદો દેખાવ, એની દુર્ગન્ધ, ને બીજા કોઇ માણસને એ મળમૂત્ર ઉપાડવાં પડે છે એ ભાન, એ બધાં જ દુઃખનાં કારણ હતાં.
પણ આ અત્યંત અણગમતી તે અળખામણી વસ્તુ દ્વારા જ ઇવાનને કંઇક આસાએશ મળતી. રસોઇયાનો જુવાન મદદનીશ જિરાસીમ હંમેશાં તે ઉપાડી જવા આવતો. જિરાસીમ સુઘડ, તાજોમાજો ખેડૂત જુવાન હતો. શહેરનો ખોરાક ખાઇને ફાલ્યો હતો. જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન ને હસમુખો જ દેખાય. રશિયન ખેડૂતનો ચોખ્ખો