પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વંશપરંપરા સોંપી. લાભાલાભ પ્રમાણે સમયે સમયે ધંધા બદલવાના મોહમાંથી મુક્ત કર્યા-શૂદ્રોને ધનસંચયમાં નિઃસ્પૃહી કર્યા અને અર્થશાસ્ત્રનો નિયમ સ્થાપિત કર્યો. રૂઢિના ગુણ ગાવા વાણી સમર્થ નથી, જગતની ભાષાઓમાં તે માટે જોઇતા શબ્દ નથી, મનુષ્યની બુદ્ધિમાં તે સમજવાની શક્તિ નથી, ત્યારે આપણી આર્યરીતિ કેવી ઉત્તમ ! ભીતિ કેવી ઉત્તમ ! પ્રીતિ કેવી ઉત્તમ ! નીતિ કેવી કેવી ઉત્તમ ! જેમણે આ રીતિ, આ ભીતિ, આ પ્રીતિ, આ નીતિની રૂઢિઓ સ્થાપી તેમણે કેવો દીર્ઘ વિચાર કરી તે સ્થાપી હશે ! અહીં તે મંગળ સમયે આખા ભરતખંડમાંની સમસ્ત પ્રજાની કાશીમાં રૂઢિ બાંધવા કેવી મહોટી સભા મળી હશે ? શું તે સભાનું વર્ણન ! દેવોએ સમુદ્રમંથનમાંથી નીકળેલાં રત્ન જડી, તે સભાની શોભા અનુપમ કરી હશે. અપ્સરાઓએ તે સભાનાં મન રંજિત કર્યા હશે. બ્રાહ્મણોના મંત્રોચ્ચારે બ્રહ્માંડને પૂર્યમાણ કરી વસ્તુમાત્રને રહેવાના સ્થાનરહિત કરી તે સભામાં એકઠી કરી હશે. આર્યપ્રજાના હર્ષના ઊભરાથી સમુદ્ર ભરાઈ જઈ ગગન લગી જઈ પહોંચ્યો હશે. વિચાર કરતા બ્રાહ્મણોની ગંભીરતા જોઈ હિમાચળ લજ્જાયમાન થઈ પાતાળમાં ઊતરી ગયો હશે, સભાજનોના અનંત્યમાં પહોંચતા તર્કવેગ જોઈ કાળ નિરાશ થઈ ગતિ બંધ કરી પાછો ફર્યો હશે. બુદ્ધિબલનો પ્રભાવ જોઈ વાયુ ઈર્ષ્યાથી કોપાયમાન થઈ શક્તિ અજમાવવા તત્પર થયો હશે.-’

એવામાં એક સ્થળે શ્રોતાજનોમાં મારામારી થવાથી, બધા લોકો તે જોવા ઊઠ્યા. અમારી પાટલી પરના માણસો નીચે ઊતરી અગાડી વધ્યા. કઠેરા પર ઊભેલાના એક તરફના ભારથી પાટલી એકાએક ઊલળી પડી. ઊભેલા બધા ગબડી પડ્યા, ભદ્રંભદ્રની પાઘડી સૂર્યદેવનું દર્શન કરવા આકાશ ભણી ઊડી. પછી પૃથ્વીમાતા તરફ નીચે આવી. ભદ્રંભદ્ર પણ તે જ દિશામાં પ્રથમ પગ ઊંચા કરી, અધ્ધર ચક્કર ફરી જમીન ભણી દળી નીચે આવ્યા. તેમની ઉપર બીજા પડ્યા. ઊભેલા પડી જવા લાગ્યા. પડી ગયેલા ઊભા થવા લાગ્યા. મારી પણ એ જ વલે થઈ. કચરાયેલા બૂમો પાડવા લાગ્યા. નહિ કચરાયેલા તાળીઓ પાડવા લાગ્યા. પાસેના હસવા લાગ્યા, આઘેના ધસવા લાગ્યા. ભીડ વધી ને નીચે પડેલાને ઊભા થવું વધારે મુશ્કેલ થવા લાગ્યું. ભદ્રંભદ્રની ગતિ પરવશ થઈ. જીવનાશા ભંગોન્મુખ થઈ. પણ એવામાં શિવશંકરે આવી કેટલાકને લાત લગાવી, આઘા ખેંચી કહાડ્યા. રામશંકરે પડ્યા પડ્યા કેટલાકને બચકાં ભરી બૂમો પાડતાં અને મહામહેનતે છૂટવા મથતાં ઉઠાડ્યા.

મને સહેજ અને ભદ્રંભદ્રને વધારે વાગ્યું હતું તેથી અમને ઘેર લઈ ગયા. છૂંદાઈ જવાની બીક સમૂળગી ગયા પછી ભદ્રંભદ્રમાં હિંમત આવી. આશ્વાસનથી અને ઉપચારથી કંઈક તાજા થયા પછી તેમણે કહ્યું, ’હું લેશમાત્ર ગભરાયો નથી. રણમાં ઘવાયેલા યોદ્ધા વ્રણ માટે શોક કરતા નથી. પરાક્રમના ચિહ્‌ન ગણી તે માટે અભિમાન કરે છે. આર્યસેનાના નાયક થઈ સંગ્રામમાં અદ્‌ભુત શૌર્ય દર્શાવતાં હું દુષ્ટ શત્રુના છલથી અશ્વભ્રષ્ટ થયો છું, પણ તેથી પરાજય પામ્યો નથી. સેનાનો જય થયો છે. આર્યધર્મનો જય થયો છે, રૂઢિદેવીની કીર્તિ પ્રગટ થઈ છે.’