પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિના તેમાંથી છુટાતું નથી. મારા શ્રેષ્ઠત્વ વિશેના ઘણાના સંશયનો છેદ એમ જ થયો છે. પણ અમારા ડચીમામાના સંશય સમક્ષ તો સર્વ નિરુપાય. રામશંકર, એમનો ઈતિહાસ કહો.'

રામશંકર કહે, ડચીમામા ભાઈસાહેબના મામા થાય. એમનું રહેવું ઘણા વર્ષથી અહીં જ થાય છે. પણ વહેમી બહુ, એક વેળા આખી ગાડીમાં બેસીને જતાં સંશયમાં પડી ગયા કે વખતે પૈડાં સાથે આખી ગાડી પણ ચક્કર ફરે તો આપણું શું થાય? નીકળાય નહિ અને ગાડી ઉપરતળે થાય તો આપણે તો ફજેતીમાં આવીએ! તે દહાડાના શક ખાઈ ગયા, તે ગાડીમાં જ નથી બેસતા. બહુએ સમજાવીએ છીએ પણ વહેમની કંઈક કચાશ રહી જાય છે. એક વખત જમતાં જમતાં શકમાં પડી ગયા કે વખતે ખાધેલું વાંસા તરફ ઊતરી જાય, તો પેટમાં કંઈ ન આવે. ખાતે ખાતે ભૂખ્યા ને ભૂખ્યા! ગમે તેટલું ખાઓ પણ પેટમાં કોયલી જ! તે દહાડાના એવા વહેમમાં પડી ગયા છે, કે ખાતી વખતે ડાબે હાથે બોચી પછાડીથી સજ્જડ ઝાલી રાખે છે, કે વાંસા તરફ કંઈ ઊતરે જ નહિ. વૈદ્યરાજે એમની સમક્ષ બહુ ખુલાસા કર્યા પણ શક પૂરો થયો નથી. પણ એ વહેમ ખાઈ જવાની વૃત્તિ આખરે સદ્ગુણ છે. સુધારામાં ન ભળ્યા તો પણ એ જ કારણથી. એક વખત એમને ગામ એવી સંગતમાં હતા અને સ્ત્રીઓને ભણાવવાની સભામાં દાખલ થવાના હતા. પણ એવામાં શક લાગી ગયો કે બાયડીઓને ભણાવીએ ને વખતે તે તો કહેશે, કે અમે જંગલી લાકડાંથી ચૂલો નહિ સળગાવીએ, પણ વિલાયતી દીવાસળીઓ બાળી રાંધીશું, તો અધધધ ! એટલી બધી દીવાસળી ક્યાંથી લાવીએ! વિલાયત લેવા જઈએ તો તો નાતબહાર મૂકે. એવા વહેમમાં પડી ગયા કે પોતાની છોકરીને નિશાળે મોકલે નહિ, એટલું જ નહિ પણ પાસેના ગામમાં નિશાળ હતી, તે તરફની સીમમાં ઘરની ગાયને ચરવા જવા પણ દે નહિ, કે વખતે ભણેલું ઘાસ ચરી આવે. ભાઈસાહેબે એમના વહેમની ખાતરી કરી આપી કે સ્ત્રીઓને ભણાવી પંડિત બનાવીએ તો પછી આપને પંડિત કોણ કહેશે? બ્રહ્માને ત્યાં પંડિતની સંખ્યા તો બાંધેલી છે.'

સ્ત્રીકેળવણીનો પ્રસંગ નીકળ્યાથી ભદ્રંભદ્ર બોલી ઊઠ્યા, 'સ્ત્રીકેળવણી વિષે તો સંશય રહે, એ જ સંશયની વાત છે. અનાદિકાળથી સિદ્ધ થઈ ચૂક્યું છે કે સ્ત્રીઓને કેળવણી ન આપવી જોઈએ. સ્ત્રીઓને કેળવણી આપવાની હોત તો ઈશ્વર વેદમાં ન લખત કે સ્ત્રીઓને કેળવણી આપજો? ઉપનિષદોમાં કોઈ કોઈ ઠેકાણે ભણેલી સ્ત્રીઓ વિશે લખ્યું છે પણ તે તો વાસ્તવિક રીતે ભણેલા પુરુષો માટે છે, એમ વ્યાકરણાદિની સહાયતાથી સિદ્ધ કરી શકાય છે, તો પછી શું આપણે એવા મૂર્ખ છીએ કે અણગમતા અર્થનો આગ્રહ કરીએ? સ્મૃતિપુરાણો તો વેદવિરુદ્ધ હોઈ શકે નહિ એટલે તેમના પ્રમાણ વિશે ચિંતા નથી. તર્ક વાપરીએ તો પણ એ જ અનુમાન નીકળે છે. આપણે આર્યો શ્રેષ્ઠ છીએ. તેથી આપણામાં કાંઈ ખોટું હોઈ શકે નહિ, તે માટે આપણા દેશમાં હાલ ચાલે છે, તે બધું બરોબર છે. તો આ દેશમાં હાલ સ્ત્રીઓ ભણતી નથી તે પણ બરોબર છે. વળી એક વિદ્વાન કહે છે કે ફીજી બેટમાં એગુટી નામે એક પ્રાણીની જાત