પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૬૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



હાંરે કાન કયા મુલકનો રસિયો, હાંરે મારા મારગ વચ્ચે વસિયોરે—
દાણ માંગે હાંરે. ૩

હાં રે કાના કિયા મુલકનો દાણી, હાં રે મારી નવરંગ ચુંદડી તાણીરે—
દાણ માંગે હાંરે. ૪

હાં રે કાના કિયા મુલકનો મહેતો, હાં રે મારા મારગ વચ્ચે રહેતોરે—
દાણ માંગે હાંરે. ૫

હાં રે કાના જળ જમુનાને આરે, હાંરે એમાં કોણ જીતે કોણ હારેરે—
દાણ માંગે હાંરે. ૬

હાં રે કાન નથી સાકર નથી મેવા, હાં રે ખાટી છાશમાં શું આવ્યો લેવારે—
દાણ માંગે હાંરે. ૭

હાં રે મહેતા નરસિંહના સ્વામી મુરારિ, હાં રે તમે લૂંટો મા દા’ડી દા’ડીરે —
દાણ માંગે હાંરે. ૮


પદ ૧૩૩ રાગ જંગલો.

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.— નારાયણનું ૧.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.— નારાયણનું ૨.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.— નારાયણનું ૩.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.— નારાયણનું ૪.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.— નારાયણનું ૫.


121212