પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૧)
અખો ભગત.


શીખામણ.

૫દ ૩ રાગ મેવાડો.

સમજણ વિના રે સુખ નહીં તુજને રે; ટેક
વસ્તુગતિ કેમ કરી ઓળખાય;
આપમાં દીસે છે આપણો અતમા રે,
તેણે કાંઈ જીવપણુ નવ જાય. — સમજણ. ૧.

રવિ રવિ કરતાંરે રજની નહિ મટે રે,
અંધારૂં તો ઉગ્યાં પૂંઠે જાય;
રુદય રવિ ઉગેરે નિજ ગુરૂ જ્ઞાનનોરે,
થનાર જે હોય તે સહેજે થાય. — સમજણ. ૨.

જળ જળ કરતાં તૃષ્ણા નવ ટળેરે,
ભોજન કહેતાં ન ભાગે ભૂખ;
પ્રેમરસ પીતાંરે તૃષ્ણા તુરંત ટળે રે,
એમ મહા જ્ઞાનિયો બોલે છે મુખ. — સમજણ. ૩.

પારસમણી વિનારે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંઞ્‌ચન તે ન થાય;
સમજણ વિનારે જે સાધન કરેરે,
તેણે કાંઈ જીવ પણું નવ જાય. — સમજણ. ૪.

દશ મણ અગ્નિરે લખિયે કાગળે રે,
એને લેઈ રૂમાં જો અલપાય;
એની ઉષ્ણતાયેરે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય. — સમજણ. ૫.

જીવપણું મટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણી રહિત છે રે વિચાર,
જે જે નર સમજ્યા રે તે તે તો ત્યાં શમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર. — સમજણ. ૬.