પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

 વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚
 બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…
 મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

 

(સાખી)


 કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚
 અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;

 વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚
 શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…
 મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

 

(સાખી)


 સાચા સદ્ગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર
 મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર

 પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે
 રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…
 મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦