પૃષ્ઠ:Birbal Vinod.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪
બીરબલ વિનોદ.


વાર્તા ૧૬૩.
નહીં તડકામાં નહીં છાયામાં.

એક દિવસે બાદશાહ બીરબલ ઉપર ગુસ્સે ભરાયો અને તેણે બીરબલનું અપમાન કરી દીધું. અપમાન તો અસહ્ય હતું અને બીરબલને ઘણુંજ લાગી આવ્યું, ક્રોધ પણ ચડ્યો, પરંતુ તે સમયે ગમ ખાઈ કાંઈ ન કહેતાં ચુપ રહ્યો. બે ત્રણ દિવસ પછી લાગ જોઈ બીજે દેશ ચાલ્યો ગયો.

થોડાક દિવસ આમ વહી ગયા. બાદશાહ સમજ્યો કે ‘મેં એનું અપમાન કર્યું એથી તે ચાલ્યો ગયો છે, પણ ફીકર નહીં, થોડા જ દિવસમાં પાછો આવશે.’ પરંતુ બીરબલે તો એવો મક્કમ ઠરાવ કરી લીધો હતો કે બાદશાહનાં ત્રણ આમંત્રણ–તેડાં–આવે નહીં ત્યાં સુધી આગ્રાની ભૂમિપર પગ ન મૂકવો. પોતાના વગર બાદશાહને ચેન પડશે નહીં એવી એને સંપૂર્ણ ખાત્રી હતી.

બે મહીના જેવો દીર્ધકાળ એવી જ રીતે વ્યતીત થઈ ગયો. બીરબલ વગર બાદશાહને મુંઝવણ થવા લાગી, દરબારમાં તેને લગારે રસ પડતો નહીં. આખરે તેણે બીરબલને શોધી કાઢવા માણસો મોકલ્યા, પરંતુ તેનો પત્તો ન લાગ્યો. એટલે બાદશાહે બીરબલને શોધી કાઢવાની એક યુક્તિ શોધી કાઢી. બીજેજ દિવસે એણે એવો ઢંઢેરો બ્હાર પડયો કે “જે કોઈ માણસ નહીં તડકામાં કે નહીં છાયામાં, તેમજ નહીં ભૂખ્યો કે નહીં ધરાયલો મ્હારી પાસે આવશે તો હું ભારે ઈનામ આપીશ.”