પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેના પેટમાં જે બીક હોય, તે તેવુંજ દેખે છે, કાનજી સુતાર એક તો જોણે ચોર, વળી કાપડની ગાંસડી લ‌ઇ જતી વખતે જનાવરની ચરક પડેલી એ વાત પણ તેને યાદ આવી. બીરબલે તે શક ઉપરથી કહ્યું. પણ કાનજી સુતારને તો એમ જણાયું કે ઝાડ સઘળી હકીકત બીરબલને કહે છે, પણ તેને ભાગી જવાનો ઇલાજ ન હોવાથી હીંમત રાખીને ઉભો રહ્યો. વળી બીરબલે ઝાડને બે ફટકા મારી બે મીનીટ સુધી કાન રાખી કરસનદાસને કહ્યું કે ' આ લીમડાનું ઝાડ એમ કહે છે કે કાપડની ગાંસડીની ચોરી કરનાર માણસ આ એકઠા થએલા માણસોમાંજ ઉભેલો છે, વળી તેની છાતી ધડકતી હશે, એમ કહીને સીપાઇને હુકમ કર્યો કે, જોવાને મળેલા માણસોમાંથી કોઈ પણ માણસને જવા દેશો નહીં.' બીરબલનો હુકમ સાંભળતાંજ ચોતરફ ફરી વળ્યા. પછી બીરબલ ચોથી વાર લીમડાના ઝાડને ચાબુકથી મારીને બે મીનીટ સુધી ઝાડના થડ સાથે કાન અડાડી રાખીને કરશનદાસને કહ્યું કે, 'આ ઝાડ ચોથી નીશાની એ આપે છે કે જેણે તમારી ગાંસડી ચોરી છે, તે ઇસમે આ સાથે પાંચમી વાર ચોરી કરી છે તે માટે તેને ફાંસી દેવાની છે.' એમ કહી તરત બીરબલે કાનજી સુતારનો હાથ પકડ્યો. તે જોઇ કાનજીએ કહ્યું કે, 'સાહેબ મને ફાંસીએ લટકાવશો નહીં, હું કસમ ખાઇને કહું છું કે આ ચોરી સીવાય મેં બીજી ચોરીઓ કીધી નથી.' પછી કાનજી સુતાર પાસેથી ગાંસડી લ‌ઈને બીરબલે કરશનદાસને સોંપી અને કાનજીને શીક્ષા કરી.


-૦-