પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકાણુંમી
-૦:૦-
વાણી-વીનોદ ૧
-૦:૦-

એક વખતે એક સભા ભરાઈ હતી તે વખતે અગત્યનું કામ આટોપી લીધા પછી વાણી વીનોદની શરૂઆત થઈ. ગંગ વગેરે કેટલાક કવીત વગેરે કહ્યા પછી એક દરબારીએ કહ્યું કે, 'હજુર! ગરજ હીડીબાત હે, ગરજ બીન કોઈ કીસીકે સામને નહીં દેખાતા. ‘ગરજ હી બીબી ગુલામકું જાવે, યહ ભી ઉસ્સે કહ્યા જાતા હય.’

આ સાંભળતા જ શાહે કહ્યું કે, ‘ ગરજહી બીબી ગુલામકું જાવે, એ પાદપૂરતી ઉપર કોઈ કવી પોતાનો પાયો રચીને બોલે તેમ છે ?’

આ સાંભળતા જ કાંઇ પણ વીચાર કર્યા વગર ગંગ ઉઠીને બોલ્યો, ‘હજુર ! એમાં તે શું ? બારોટને મન તો એવી કવીતાઓ બચ્ચાની રમત જેવી છે. જુઓ સાંભળો :-

“ગરજહી અરજુન હીજ ભયો,
અલી ગરજહી ભીમ રસોઈ બનાવે;
ગરજહી દ્રૌપદી દાસી ભઇ,
અલી ગરજહી ગોવીંદ ઘેન ચરાવે;
ગરજ બડી ત્રૈલોકનમેં,
અલી ગરજ બીના કોઇ આવે ન જાવે;
કવી ગંગ કહે સુણો શાહ અકબર,
ગરજહી બીબી ગુલામકું જાવે.
‘હજુર સારી દુનીઆ ગરજ કી હૈ’

શાહ તેની આવી ઉત્તમ કાવ્ય શકતીની શીઘ્ર કવીતા સાંભળી આનંદ પામી કહ્યું કે, ‘ ધન્ય છે, ગંગ ધન્ય છે!’ બલી બજાવી તેં તો ! તારા જેવો બીજો ભાટ આ જગતમાં હાલ તો મળવો કઠીણ છે. પૃથુરાજનો જેવો ચંદ બારોટ હતો તેવોજ મારી દરબારમાં તું પણ છે.’

ગંગે ધીમેથી કહ્યું કે, ‘સરકાર ! એમાં મેં કાંઇ વધારે કર્યું નથી. બારોટ કાંઇ શીખીને થવાતું નથી. એ તો માના પેટમાંથી જન્મ લેતાં જ બારોટ જન્મે છે.’

ગંગના આ વાક્યો સાંભળતાજ શાહ તો વિસ્મય પામ્યો, પણ એક દરબારીએ જરા વધારે રસ લાવવા માટે કહ્યું કે, ‘નામદાર ! મારા ધ્યાનમાં તો આવી વાત ઉતરતી નથી. આતો બારોટોએ પોતાની કાંઇ દંત કથા ચલાવી હોય તેવી વાત લાગે છે.’

ગંગે જરા આંખ ચઢાવીને કહ્યું કે, ‘ શું ! આ દંતકથા જેવી વાત છે ? બારોટનો છોકરો જન્મથી શું બારોટ નથી જન્મતો ? નહીં, નહીં, એ વાતજ ખરી છે !’

એક દરબારી જાણે ગંગાની દયા ખાતો હોય તેવો બહારથી દેખાવ કરી પણ અંદરથી તેની સામે શાહને વધારે ઉશ્કેરી મુકવા જેવાં વાક્યો કહ્યાં કે, ‘હજુર ! પણ ગંગ બારોટ પોતે ક્યાં ના પાડે છે ? એ તો એ વાતનો પ્રત્યક્ષ દાખલો બતાવવાને તત્પર છે.’