પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીરબલ - જરાક ઉભા રહો. આ તમારા ગોઠીયાને સવાલ પુછવા છે તે પુછી લઉં. પછી બંનેને એક સામટો જવાબ આપું. પછી બીજા મુસાફરને પગથી તે માથા સુધી તપાસીને બીરબલે પુછ્યું કે, 'તમે ક્યાં રહો છો?'

બીજો મુસાફર - હું દરેક સ્થળે રહું છું. મારા વગરનું કોઈ પણ સ્થળ ખાલી નથી.

બીરબલ - તમારી સત્તા કેટલી છે?

બીજો મુસાફર - પહેલા મુસાફરની જેટલીજ મારી સત્તા છે.

બીરબલ - તેના જેટલા તમે નુકશાન કરતા છો કે નહીં?

બીજો મુસાફર - હું નુકશાન કરૂં છું, પણ લોકો મને પાપી તરીકે ગણતા નથી. તેમ શીક્ષા પણ કરતા નથી.

બીરબલ - હજી તમારે કાંઈ વધારે કહેવું હોય તે કહી દો.

બીજો મુસાફર - મારે માટે કહેવું થોડું જ છે. આ મારા ગોઠીયા મુસાફર વગર હું જીવીજ શકું. જેટલી તેની ગતી છે તેટલી મારી પણ ગતી છે. મારા વગર મનુષ્ય પ્રાણી કોઈ પણ ખાલી નથી, તેમજ જીવી ન શકે. મને પાંજરા જેવી વસ્તુમાં પોપટની પેઠે બંધ કરી રાખવામાં આવે છે. આ મારો ગોઠીયો મુસાફર મને દરેક રીતની મદદ કરે છે. હું એનો આભારી છું.

બીરબલ - ઠીક. સમજ્યો. આ સીવાય બીજું કાંઈ જણાવવા જેવું છે?

બીજો મુસાફર - ના, હવે કાંઈ વધારે જણાવવા જેવું રહ્યું નથી. માટે કહો જોઈએ હું કોણ છું?

હવે આ બંનેને બીરબલ શો જવાબ આપે છે જાણવાને દરેક દરબારીઓ આતુર થઈ રહ્યા. બીરબલે શાહ તરફ જોઈને કહ્યું કે, 'હજુર ! હવે આપ હુકમ કરો તો બંને મુસાફરો કોણ છે તે હું જાહેર કરૂં.'

શાહ - બીરબલ ! ખુશીથી કહો.

બીરબલ - આ પહેલો મુસાફર તે પવન છે અને બીજો મુસાફર મન છે.

પોતાના સવાલનો જવાબ મળતાંજ બંને મુસાફરો, 'વાહ  ! વાહ !' કરતા ત્યાંથી ઉઠીને ચાલતા થયા. પણ શાહ તેઓને એમને એમ જવા દે એવો ન હતો. શાહે સીપાઈઓને આજ્ઞા કરી કે, ' આ બંને મુસાફરોને પાછા અહીં લાવો.' પહેલા મુસાફરો, જેઓ હજી દરવાજા સુધી ગયા હતા તેમને બાદશાહના હુકમથી પાછા લાવવામાં આવ્યા. શાહે તેમને સત્કાર પુર્વક બેસવા કહ્યાથી તેઓ બેઠા. પછી શાહે કહ્યું કે, 'તમે મારી દરબારમાં આવી એમને એમ ચાલ્યા જાઓ તે ઠીક નહીં. તમે હવે અહીં જ રહો.'