પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેવું અને તે કેટલું મહોટું હતું ? તે કહે.' આ સાંભળતાજ મોચીતો વિચારમાં પડી ગયો, કેમકે રત્ન તો કોઈ દહાડે જોયેલું નહીં. અને પાંચસે રૂપીઆની આશાએ સાહેદી આપવા આવેલો; પણ મનમાં વીચાર કર્યો કે, ' મારો બાપ મને હમેશાં કહ્યા કરતો કે આ વીંગડો સાચવીને વાપરજે, કારણ કે, તે રત્ન જેવો છે.' માટે રત્ન મારા વીંગડા જેવડુંજ હશે. મારો બાપ કંઇ જુઠું બોલે નહીં. એમ ધારીને તેણે જવાબ આપ્યો કે, ' સાહેબ, તે રંગે કાળું અને મારા વીંગડા જેવડું છે.' આ સાંભળી તમામ દરબાર ખડખડ હસી પડી. મોચીને એક બાજુ બેસાડીને દરજીને બોલાવી પુછ્યું કે, બોલ, રત્ન રંગમાં કેવું અને કેવડું હતું.' દરજીએ વીચાર કરી ને કહ્યું કે, ' મારી કાતર જેવું છે.' હજામને બોલાવીને પુછ્યું કે, ' બોલ, રત્ન કેવા રંગનું અને કેવડું હતું.' હજામે પણ બીજાઓની પેઠે તરત કહી દીધું કે, ' મારા અસ્ત્રા જેવડું હતું.' તરત સુતારને બોલાવીને પુછ્યું તો તેણે કહ્યું કે, ' મારા વાંસલા જેવું હતું.' આ બનાવટી સાહેદોની મુખ જુબાની સાંભળીને તમામ દરબાર હસી પડી. પછી બીરબલે આ ચારે જણને ધમકાવીને કહ્યું કે, ' હરામખોરો સાચુ કહો કે તમને ખોટી સહેદી પુરવા આ હરગોવને કાંઈ લાલચ આપવા કહી છે.' આ મુવાલીઓએ તરત ભઠી ફોડી નાખી. બીરબલે તરત હરગોવન તરફ મોં ફેરવી કહ્યું કે, 'તું બડો બદમાસ છે, તારે માટે બહુ અરજીઓ આવી છે. તેની તપાસ કરવા માટે મેં એક ખાસ અમલદાર નિમેલો છે, ધમાસાની તરફ મોં ફેરવીને કહ્યું કે બદમાસ સ્ત્રીઓ માટે તમે જે કહ્યું છે તે અને તે સિવાયનો બીજો કાંઈ પુરાવો હોય તો તે તમારા ગામમાં આવનાર નવા અમલદારને બતાવી, તે અને તમે આ દરબારમાં હાજર થજો.' પાછું મોઢું ફેરવીને બીરબલે કહ્યું કે, 'ખોટી ફરીયાદ કરવા માટે હરગોવનને બસો રૂપીઆનો દંડ કરૂં છું. અને ખોટી જુબાની આપનાર આ ચાર હરામખોરોને આઠ આઠ દીવસની સખ્ત કેદની શીક્ષા કરૂં છું.' બીરબલનો આ ઈનસાફ જોઇ તમામ દરબાર છક થ‌ઇ ગ‌ઇ.

-૦-