પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો ચૌદમી.
-૦:૦-
કાળી અને બીરબલ.
-૦:૦-

એક વખતે કાળીકા દેવીએ બીરબલને ડરાવવાનો વીચાર કીધો. પોતાના હજાર માથાવાળું ભયંકર સ્વરૂપ ધારણ કરી દેવી બીરબલ પાસે આવી. બીરબલે કાળીકાને પોતાની સમીપ આવેલી જોઇ તુરત ઉભો થઈ હસીને નમન કીધું. અને પછી દીલગીર થયો. પોતાના ભયંકર સ્વરૂપથી બીરબલ ન બીહનો, તથા પ્રથમ હસ્યો અને બાદ દીલગીર થયો એ જોઇ દેવી વીચારમાં પડી. પણ તેનો ખુલાસો સમજાઓ નહીં, તેથી ખુલાસો કરવા બીરબલને કહ્યું. બીરબલે મસ્તક નમાવી કહ્યું કે, હે દેવી ! આપે આપના દર્શન દીધા, તેથી ખુશાલીમાં હું હસ્યો, પણ દીલગીર થવાનું કારણ કાંઇ કહેવા લાયક નથી, માટે તે વીષે મને માફ કરો.

આ ઉપરથી તો દેવીને જાણવાની વધારે આતુરતા થ‌ઇ, તેથી વધારે આગ્રહ કીધો. એટલે બીરબલે કહ્યું કે, ‘ માતા ! મારા બે હાથ અને એક નાક છે. તે પણ જ્યારે મને સરકમ (શલેખમ) થાય છે ત્યારે નાક સાફ કરી કરીને મારા હાથ દુઃખી આવે છે. ત્યારે આપના હાથ તો બે જ પણ એક હજાર માથા ઉપર નાક તો એક હજાર છે. તે જ્યારે આપણે શલેખમ થતું હશે ત્યારે આપ બે હાથથી કેમ પહોંચી શકતા હશો ! આપણે તેથી મહા દુઃખ ભોગવવું પડતું હશે, એમ જાણી હું દીલગીર થયો.’

બીરબલને આવો હાજર જવાબી જાણી દેવી તેને આશીરવાદ દઈ અલોપ થઈ ગઈ.

-૦-