પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાહ--મારા વંશજો અંહી રહેશે. પણ તારૂં કહેવું શું છે ? યોગીરૂપ બીરબલે કહ્યું કે, 'માલીક ! જે મકાનમાં એક પછી એક ઘણાં માણસો રહી જાય તે મકાનને ધરમશાળાની ઉપમા આપવામાં ખોટું શું છે ? મને તો એમજ જણાય છે કે આ રાજબાગ નહીં પણ ધરમશાળાજ છે. ફારસી ભાષામાં ધરમશાળા અને રાજબાગ માટે એકજ શબ્દ છે, અને તેનું કારણ પણ એજ જણાય છે. આ ઉપરથી એટલું તો નકી માનવું કે, આપણે બધા આ પૃથ્વી ઉપર મુશાફર છીએ. આપણે બધાને મોડે વહેલે એકજ રસ્તે જવું છે. જન્મયો તે મરવાનોજ છે.

શાહ આ સાંભરી ઘણોજ ખુશી થઇને કહ્યું કે, 'સાંઇ મવલા ! તમારૂં કહેવું સાચું છે. એક કવીએ માણસ માત્રને શેત્રંજના મોહોરાની જે ઉપમા આપી છે તે વાજબી છે. આપણે બધાઓ એકજ તત્વના બનેલા છીએ અને તેમાં પણ શેત્રંજના મોહોરાની માફક કોઇ રાજા, કોઇ વજીર, કોઇ પ્યાદું એમ બધા જુદા જુદા ગણાય છે. શેત્રંજના રમવાની શરૂઆતથી તે તે રમત પુરી થાય ત્યાં સુધી તેઓ જુદે જુદે નામે ઓળખાય છે, પણ જ્યારે રમત પુરી થાય અને મોહોરા બધા એક પેટીમાં જઇ પડે ત્યારે પછી તેની લાયકાત એકસરખીજ થાય છે. તેજ માફક આ સંસાર રૂપી ખેલ ચાલુ છે. તેમાં રમત ખતમ થતાજ બધા એક સ્થળે કાળના મુખમાં જઇ પડે છે અને તે વખતે રાજા વજીર કરોડપતી સાહુકાર અને નોકરચાકર બધાઓ એકસરખા થઇ રહે છે. ત્યાં નાનું મોટું કોઇ નથી.

શાહ્ની આ વાત સાંભળીને બીરબલ બહુ આનંદ પામી ઉઠી ને ઉભો થઇને ખોટો વેષ કહાડી નાખી ખરા વેશમાં ઉભો. શાહે તરત તેને ઓલખ્યો કે આ તો બીરબલ છે. પછી બીરબલે કહ્યું કે, 'ખલકે ખાવીંદ ! આપનું કહેવું સત્ય છે. આપના જેવા બાદશાહના મુખની આવી વાણી સાંભલીને હું ઘણો આનંદ પામ્યો છું. આપ હમેશાં સત્કર્મો કરો છો તે આપને રંગ છે.'

શાહ--બીરબલ ! માણસ એક બીજાની સોબતથી સુધરે છે એ વાત ખરી છે. પણ હું ધારૂં છું કે, તું તપાસ કરવા માટે ફરવા નીકળ્યો છે ? કેમ ! આજ કાંઇ નવું જોયું ?

બીરબલ--આપના પ્રતાપથી આજ કાંઇ જાણવા જોગ બનાવ બન્યો નથી.

આમ કહી બંને જણ મહેલમાં દાખલ થયા ત્યાં બીરબલે શાહને તે'દીવસના કેટલાક બનાવોથી માહીતગાર કરી રહ્યાં પછી બંને જણ શહેરમાં દાખલ થયા.

-૦-