પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો સીતાવીસમી
-૦:૦-
જેનું ખાવું તેનું ગાવું
-૦:૦-

એક સમે શાહે બીરબલને પુછ્યું કે, 'બીરબલ ! રીંગણાંનું શાક બહુજ સરસ સ્વાદવાળું થાય છે ?'

બીરબલ--હજુર ! આપ કહો છો તે ખરૂં છે. અને તેથી લોકો રીંગણાને શાકને ખાવામાં વધારે પસંદ કરે છે.

કેટલાએક દહાડા ગયા પછી શાહ રીંગણાની નીંદા કરવા લાગ્યા. રીંગણા વીરૂધ્ધ શાહનું બોલવું સાંભળી બીરબલે કહ્યું કે, 'હજુર ! રીંગણાનું શાક ખાધાથી કેટલાક રોગો ઉત્પન્ન થાય છે.'

શાહ--બીરબલ ! તું પણ ઠીક ગપના ગોળા છોડે છે પહેલા મેં એક દીવસે રીંગણાના શાકને વખાણ્યું હતું ત્યારે તે પણ તેને વખાણેલું હતું. અને આજ તેના અવગુણ ગાય છે માટે એ કેવી તારી મુર્ખાઇ ?

બીરબલ--ન્યાયવંત ! આપજ ન્યાય કરો કે હું આપનો નોકર છું કે રીંગણા ભાઇનો ? અમારામાં એક કહેવત છે કે જેનું ખાધે તેનું ગાવું.

બીરબલના આટલા શબ્દો સાંભળતાંજ શાહ ખડખડ હસી પડ્યો.

-૦-