પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બતાવજે. એટલે તેમાં તેનું પોતાનું મોંઢું દેખાશે. તે ગમે તેવો ચહેરો ફેરવશે તોપણ તેમાં તેનોજ ચહેરો જણાશે,'

બીરબલના કહેવા મુજબ ચીતારો બે દીવસ પછી એક મોટી આરસી લઈ તથા બે અમલદારોને છુપા પોશાકમાં સાથે લઈને પેલા માણસને ત્યાં જઈને કહ્યું કે, ' શેઠ ? હું તમારી અબેહુબ છબી ચીત્રી લાવ્યો છું. જુઓ,'

એમ કહી તેના મોઢા પર આરસી ધરી, આરસીમાં ગમે તેટલો મોઢામાં ફેરફાર કરે તોપણ તે ફેરફાર પ્રમાણે ચહેરો જણાય. પેલાએ જોયું કે, હવે તે ફસ્યો તો ખરો પણ ફીકર નહીં. હવે ફેરવી તોલવું પડશે. તેણે કહ્યું કે, ' તું મને આ આરસી બતાવી શું કરે છે ?'

ચીતારો--તમારી ખરેખરી છબી બતાવું છું '

ઠગ--પણ મેં તને છબી પાડવાનું ક્યારે કહ્યું છે ?

ચીતારો--શેઠ ! તમે ફરી શા માટે જાઓ છો. તમે પોતેજ મને તમારી છબી પાડવાનું કહ્યું છે. હવે મેં તમને તમારી ખરેખરી છબી બતાવી ત્યારે તમે નાકબુલ શા માટે જાઓ છો ? કરેલા ઠરાવ મુજબ મને મારા પઇસા ચુકવી આપો.

ઠગે પ‌ઇસા આપવાની ના પાડી. તે જોઈ પેલા બે અમલદારો જે એટલા વખત સુધી શેપચુપ ઉભા હતા તેઓએ કહ્યું કે, ' શેઠ ! તમારે હવે દરબારમાં અમારી સાથે આવવું પડશે. '

ઠગ--તમે મને દરબારમાં લઈ જનાર કોણ ?

તરત પેલા અમલદારોએ પોતાનો છુપો વેશ ઉતારી નાખી અને ખરા પોશાકમાં સામા જઈ ઉભા રહ્યા. આ જોઈ તે ઠગ ગભરાઈ ગયો. તેણે પેલા ચીતારાને પ‌ઈશા આપવા માંડ્યા. પણ અમલદારોએ ના પાડી, અને તેને પકડીને દરબારમાં બીરબલ આગળ જઈ ઉભો કીધો. બીરબલે તેની તપાશ કરી તેને ઠગાઈના વાંક માટે અપરાધી ઠરાવી પેલા ચીતારાને પઈશા અપાવી ઠગને ચાર માશના કેદની સજા કીધી.

-૦-