પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કોઈ પણ બાદશાહનું મોં સહવારમાં જોશો નહીં, નહીં તો મારા જેવી દશાએ પહોંચશો ! એટલું કહી બીરબલ ચાલી ગયો. હીરાચંદને ફાંસીના માચડા પર લઇ જઇ ચંડાલોએ પુછ્યું કે, બોલ હવે તારી શી ઇચ્છા છે. હીરાચંદે બીરબલનું કહેલું કહેવાથી ચંડાલો વીસ્મય થઇ બાદશાહ પાસે જઈ સઘળી બીના વીદીત કીધી. આ વાત સાંભળતાંજ બાદશાહ ઉલટો અકળાયો અને પોતાની ફજેતી થશે એમ માની ચંડાલોને કહ્યું કે, જાઓ તેને મારી પાસે લાવો. રાજાનો હુકમ થાતાજ ચંડાલોએ હીરાચંદને લાવી રાજાની હજુરમાં ઉભો કીધો. રાજાએ તેને ઈનામ આપી કહ્યું કે, જા તારા અપરાધની તને ક્ષમા કરવામાં આવે છે. માટે આ વાત કોઇની આગળ કરતો નહીં. હીરાચંદને વીદાય થયેલો જોઇ, બાદશાહે ચંડાલોને પુછ્યું કે, તમને રસ્તામાં કોઇની ભેટ થઇ હતી ? ચંડાલોએ કહ્યું કે, હા સીરતાજ ! બીરબલજી. બાદશાહ તરત સમજી ગયો કે આ સઘળી ખુબી બીરબલનીજ છે, શાબાસ છે એની વીશાલ બુધ્ધિને ! એમ વખાણ કરતો ને મનમાં ને મનમાં આનંદમયી બન્યો.

સાર-અકલની કેવી બલીહારી છે ? અકલવાન મોતમાંથી પણ બચાવી શકે છે. માટે અકલ એજ કીરતારની કરામત છે.

-૦-