પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીરબલના જળ રૂપી શીતળ વાક્યો સાંભળી તે બ્રાહ્મણના મનમાં શાંતી વ્યાપી અને કચેરીમાં બનેલી હકીકત કહી સંભળાવી.

તે સાંભળી બીરબલે કહ્યું કે, 'મહારાજ ? તમો અહીંઆ થોડી વાર ઉભા રહો, હું કચેરીમાં જઉં છું, અને તેનીજ પાસેથી તમને ઇનામ અપાવું છું. આમ કહી બીરબલ દરબારમાં દાખલ થઈ બાદશાહને સલામ કરી કહ્યું કે, 'આપની ગાદી અચળ રહેવા એક બ્રાહ્મણ શ્રી મહાકાળીના અનુષ્ટાનની પુર્ણાહુતી થયે હોમજનીત વીભુતી આપને પ્રસાદી રૂપ આપવાને આવેલો હતો, પરંતુ આપે તેનું સન્માન ન કરતાં અપમાન કરી કહાડી મુક્યો એ ઠીક કીધું નહીં. આથી આપની અપકીરતી થશે અને ભેદ બુદ્ધી લોકોમાં ફેલાશે જે પ્રસાદી વડે આપનું તમામ જાય એવો આશીરવાદ આપનારને, અર્થાત આશીરવાદનો અર્થજ સ્પષ્ટ જણાય છે કે, 'સબજા' એટલે બધું જાઓ, તેને ઇનામ આપી એ કેટલી બધી વિચીત્ર વારતા ? તેનો આપજ વીચાર કરી જુઓ.'

બીરબલનું આવું બોલવું સાંભળી બાદશાહે કહ્યું કે. મારૂં રાજ ખાક થઇ જાય એવા હેતુથી રાખ ને ચોખા આપવાથી તે બ્રાહ્મણને હાંકી કાઢ્યો અને ફકીરે જે પ્રીય ચીજ સબજા આપી માટે બક્ષીસ આપી.'

બીરબલે કહ્યું કે, 'નેક નામવર ! એ બંનેના આશીરવાદના ભાવાર્થ બરોબર રીતે આપને સમજાવવામાં આવ્યો નથી. એનો અર્થ એવો થાય કે સબ એટલે તમામ અને જા એટલે રવાના થા. ફકીરના આવી પ્રકારના આશીરવાદનું નીવારણ કરવા માટે તે બ્રાહ્મણે તમને રાખ આપીને કહ્યું કે, 'ઇશ્વર તમારી સઘળી વસ્તુ કાયમ રાખે.' જેણે બદદુવા આપી તેને ઇનામ ! અને સારો આશીરવાદ આપનારને અપમાન ? એ કેવો અઘટીત ન્યાય !'

બાદશાહે તરત પોતાની ભુલ કબુલ કરી બીરબલને કહ્યું કે, 'બીરબલ જે થનાર હતું તે થયું પણ તે બ્રાહ્મણને શોધી કાઢી તેને બે હજાર રુપીઆનું ઈનામ આપી તેની સારી દુવા વધાવી લો. તે સાંભળી બીરબલે કહ્યું કે, 'સરકાર ! તે પવીત્ર બ્રાહ્મણ આપણાં દરબારગઢની બહાર બેઠો છે. માટે સીપાઇ મોકલી બોલાવી આપના હુકમને અમલમાં મુકું છું.' એમ કહી બધાની સમક્ષ તે બ્રાહ્મણને બોલાવીને અદેખાઓની આંખમાં ધુળ છાંટીને, તે બ્રાહ્મણને બે હજાર રૂપીઆ આપી સંતોષી વીદાય કીધો.

સાર - બગડેલી બાજી કેમ સુધારવી ? અદેખાઓની આંખ કેમ આંજવી ? મોટા લોકોનાં મન કેમ રીઝવવાં ! મોટો અધીકાર મળ્યા છતાં જાતી અભીમાન કેમ રાખવું ? અને પારકાનું ભલું ? એનો દાખલો આ વારતા પરથી લેવો.


-૦-