પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શેઠાણી ગુસ્સાથી બોલી કે, ભલે ચઢવા દે, કરશે તે ભરશે, બીજા કોઇ શું કરશે ? શેઠાણીના આવા કઠોર શબ્દો સાંભળી ચાકરે તુરત આવી શેઠને તે હકીકત જણાવી. આ સાંભળી શેઠે ચાકરને કહ્યું કે, હવે તું મારી નાયકાને જઇને કહે કે શેઠ હમણાંજ આવે છે. ચાકરના શબ્દો સાંભળતાંજ તે નાયકા ઝટ ઉઠી બારીએ આવી શેઠની રાહ જોતી ઊભી.

શેઠે ધીરજથી કોટવાળને કહ્યું કે, જરા કળાવંતીના ઘર આગળ થઇને મને લઇ જશોતો આપનો ઉપકાર માનીશ !' તે સાંભળી કોટવાળ તેને નાયકાના ઘર આગળ લઇ ગયો. બારીએ રાહ જોતી ઉભેલી નાયકાએ શેઠને આવી દશામાં આવતો જોઇ તે બહુ ખેદ પામી, નીચે આવી કોટવાળને હાથ જોડી કહ્યું કે, 'આ બસો રૂપીઆ આપ પાન સોપારીના લો. અને માત્ર બે ઘડી સુધી આ શેઠને આ ઝાડની છાંયા નીચે બેસવા દેવાની કૃપા કરશો તે હું આપ સાહેબનો ઉપકાર માનીશ. હું રાજા હજુર જઉં છું. જો અપરાધ માફ કરી એમને છોડી મુકવાનો હુકમ કરશે તો ઠીક, નહી તો પછી લઈ જજો. પૈસો શું ન કરે ! પૈસો જોતાં મુનીવર ચળે તો પછી કોટવાળ કેમ ન ચળે ! કોટવાલે બસો રૂપીઆ લઇ તેમ કરવાની કબુલાત આપી.

પોતાના શેઠને છોડવી લાવવા માટે નાયકાએ ઉત્તમ પ્રકારના અલંકારો સજી ઠાઠ માઠની સાથે ઝાંઝરનો રણકારો બોલાવતી દરબારમાં પ્રવેશ કરી રાજાને હાવભાવથી ભરેલા ગાન તાનથી આંજી નાખ્યો. નાયકાના અદભુત નાચથી રાજા મોહીત પામી બોલ્યો કે, 'માગ ! માગ ! મરજીમાં આવે તે માગ !' નાયકાએ તરત વચન લઇ બોલી કે, 'તમે જે શેઠને શુળીએ ચઢાવવાનો હુકમ આપ્યો છે તેને તેમ ન કરતાં છોડી દો. રાજાએ કહ્યું કે, 'શેઠને તો ક્યારનો શુળીએ લટકાવી દીધો હશે. માટે બીજું કાંઇ માંગ. નાયકાએ કહ્યું કે, 'જો જીવતો હશે તો છોડી મુકવા હુકમ કરવો. તે સીવાય મારે કસુએ જોઇતું નથી.' આ સાંભળી રાજાએ સીપાઈને તાકીદ આપી કે, જો શેઠ જીવતો હોય તો તેને એકદમ છોડી મુકવો. રાજાનો હુકમ થતાજ સીપાઇઓ તરત દોડ્યા. તપાસ કરતાં જ્યાં કોટવાળ અને શેઠ બેઠા હતા ત્યાં આવીને કોટવાળને રાજાનો હુકમ સંભળાવી દીધો. આ હુકમ સાંભળતાજ કોટવાલે શેઠને છોડી મુક્યો. અને નીચું ઘાલી કોટવાળ રસ્તે પડ્યો. એટલામાં નાયકા આવી, શેઠને બંગલામાં લઇ જઇ આસવાસના કરી, બનેલા દુખદાઇ બનાવથી તે નાયકાની આંખમાંથી આંસુની ધારા ચાલી. તે જોઇ શેઠે તેના મનને શાંત પાડવા માટે કહ્યું કે, 'તું જરા પણ ગભરાઇશ નહીં. આવી ખટપટ કોઇ કારણ સર મેંજ ઉભી કરી છે. હવે હું મારે દેશ જઈશ, અને ત્યાંથી થોડાક દીવસ પછી પાછો આવીશ. અને પછી તને હું મારી સાથે લઇ જઇશ, માટે તું જરા પણ ગભરાઇશ નહીં.' આ પ્રમાણે નાયકાને ધીરજ આપી બીજી આડા અવળી હાસ્ય વિનોદની વાતો કરી ત્યાંથી વિદાય થઇ પોતાનો વેપાર આટોપી નાંખી પોતાના દેશનો રસ્તો લીધો. રસ્તો કાપતા કાપતા બીરબલ બાદશાહના સન્મુખ આવી કહ્યું કે,