પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
પ્રેમાનંદ

ન સંભાર્યાં બાળક બઢુઆં, સુણ સાધવી;
કઠણ પુરુષનાં મન, મહિલા માધવી.
હું મોઇ જીવી જોઈ નહીં, સુણ સાધવી;
બેઠ્યું હશે કેમ વંન, મહિલા માધવી.
ઓ વાયસ બોલે બારણે, સુણ સાધવી;
વળી ફરકે ડાબું અંગ , મહિલા માધવી.
શું મનનો માન્યો આવશે, સુણ સાધવી;
થાશે શુકનકેરાં ફળ, મહિલા માધવી.
શ્રવણે વધામણી સાંભળું, સુણ સાધવી;
કો કહે પધાર્યા નળ, મહિલા માધવી.
વધ થાશે વેરી વિયોગનો, સુણ સાધવી;
ગયો જડશે સંજોગ, મહિલા માધવી.
વીરસેન સુત આવશે, સુણ સાધવી;
ત્યારે ટળશે સઘળો રોગ, મહિલા માધવી.
કો કહેશે આવી વધામણી, સુણ સાધવી;
નથી આપવા સરખી વસ્ત, મહિલા માધવી.
અર્પીશ હાર હૃદયતણો, સુણ સાધવી;
પ્રણમીશ જોડીને હસ્ત, મહિલા માધવી.
બારીએ બેસી નિહાળીએ, સુણ સાધવી;
એવે ઉડતી દીઠી રજ, મહિલા માધવી.
આ રથ આવે છે ગરજતો, સુણ સાધવી;
વળી ફરકે ગગને ધ્વજ, મહિલા માધવી.
ઓ પડઘી પડે અશ્વચરણની, સુણ સાધવી;
એ હાંકણીમાં છે વિચાર, મહિલા માધવી.
ઓ પરોણો ઉંચો ઉછળે, સુણ સાધવી;
હોય નળનો મુખ ટચકાર, મહિલા માધવી.
રથા આવ્યો ગામને ગોવાંદરે, સુણ સાધવી;
હા હોય અયોધ્યાભૂપ, મહિલા માધવી.
દીસે સુદેવ મેલે લુગડે, સુણ સાધવી;
પણ હાંકણકાર કરુપ, મહિલા માધવી.