પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
છેલ્લું પ્રયાણ
 

જડી રે બુટીનું જોર નવ ચાલે,
(નીકર) ધંતર વૈદ તો મરી કે, જાત રે—

કુળદાવો છોડ્યો મેં તો તમ સારુ શામળા !
મીઠો મેરામણ મારે મોલ ન આવે રે.

કે રવિસાબ ગરુ ભાણને પ્રતાપે,
ખેલ્લ ચૂકે એ ફરી નવ ફાવે રે.

ભજન–વાણીમાં ફરી ફરીને એકોપાસના પર જ આગ્રહ મુકાય છે. દોરા ધાગા ને જડીબુટ્ટીનાં વહેમ–જાળાંને માથે પ્રહારો દેવાય છે. છેક નીચલા થર લગી ઊતરીને પણ આવું પ્રબોધનારી લોક્સંસ્કૃતિને પ્રગતિશીલ કહ્યા વિના ચાલે નહિ.

આ ત્રીજી ટાંચણ–પોથીનાં આખરી પાનાં ગીરના બહારવટિયા રામવાળા વિશેની નોંધથી ભરેલાં છે. એને જોતાં મને યાદ આવે છે ગીર–નાકા પરનું એ લાખાપાદર નામનું પોલીસ–આઉટ પોસ્ટ. આ સંસ્કારહીન અને કોઈએ નહિ ઘડેલા શૈશવનું એ પ્રકૃતિ–પારણું હતું. એજન્સી પોલીસના માણસો લાખાપાદર થાણે બદલી થતાં ધ્રૂજી ઉઠતા, એને કાળું પાણી સમજતા. ત્રીશ માઇલ તો જ્યાંથી તે કાળે રેલ્વે વેગળી, શાકપાંદડું પણ જ્યાં સોગંદ ખાવા ય ન જડે. પાણી જ્યાં ગીર–ઝાડવાંનાં ઝેરી મૂળિયાં ગળેલાં પીવા મળે, નિશાળને દવાખાનું જ્યાં નામનાં, વસ્તી જ્યાં કાઠિયાઈ—છોતાં બની ગયેલી, વેપારી જ્યાં સાડા બે; એવા, દોષિત નોકરને સજારૂપે મોકલવા માટે વપરાતા