પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


(૧૮)

ગુર્જરી કુંજો



અહ ! અદ્‍ભૂત ને રસસુન્દર શી અમ દેશની કુંજઘટાઓ !
મદમાતી કૂજે જ્યહીં કોયલડી, જ્યહીં આમ્રવનોની છટાઓ;
ઝરથોસ્તની અગ્નિશિખા જ્ય્હાંજલે, જ્યહીં સૂરજવંશી નિકુંજો,
ગિરિગહ્વર શી ગુણગંભીર એ ઘનઘેરી ગુર્જરી કુંજો.


જ્યહીં વિન્ધ્યગિરિ ગરવો, શુકસોહતી સાતપૂડાની ગુફાઓ;
જ્યહીં પ્રેમ ને શૌર્યની તાપીતટે હજી ગાજી રહી વીરતાઓ;
વટતાપસને ભુજમાં ભીડી જ્ય્હાં નદીએ ઉરદ્રાવથી પૂજ્યો,
જલકેલિ કરે જ્યહીં સુન્દરી, એ જલભીની ગુર્જરી કુંજો.


જ્યહીં ભૂલભૂલામણી કોતરની ગૂંથી મઘ્ઘરથી મહી ગાજે,
જ્યહીં લોહ ને વજ્રની ઝાડી પરે અધિદેવી જ કાળી વિરાજે,
જ્યહીં કુંડ ભર્યા કંઈ ઉષ્ણ નીરે, જ્યહીં પ્રેમદયારવ ગુંજ્યો,
જ્યહીં દુર્ગની માળ ગજેન્દ્ર શી, એ ગઢગર્વી ગુર્જરી કુંજો.