પૃષ્ઠ:Chundadi.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાણે મોતીજડ્યા હોય એવી ઝગમગતી, કોઈ દૂધ-શા મીઠા નીરના સરોવરની પાળે, કોઈ એક સુંદર જળાશયને તીરે, યુવાન–યુવતીનું પહેલું મિલન થતું કલ્પાય છે. ઈશ્વર અને પાર્વતીનો જ પરિશુદ્ધ ભાવ અખંડિત રાખીને અહીં વર-કન્યાના આચરણની સરસ મર્યાદા બંધાય છે. મળ્યાં, ઓચિંતો વિનોદ થયો, વૈશાખ માસની ભભકતી ઋતુમાં પરણવાના કોલ પણ દેવાયાઃ


70

દૂધે તે ભરી રે તળાવડી, મોતીડે બાંધી પાળ,
ઈશવ૨ ધોવે ધોતિયાં ! પારવતી પાણીની હાર.
હળવાં તે ધોજો, ઈશવર, ધોતિયાં! છંટાશે મારાં ચીર,
અમ ઘેર દાદોજી રિસાળવા, માતા મારી દેશે ગાળ.
નહિ તારો દાદોજી રિસાળવા, નહિ દેશે માતા તારી ગાળ,
આપણ બેય મળી પરણશું વૈશાખ મહિના માંય.


ફરી વાર પાછો જાણે ફૂલવાડીને શેઢે મળવાનો અવસર જડ્યો. વરે ફૂળઝાડની ઊંચી ડાળ નીચે નમાવી, કન્યાએ ફૂલો વીણીને છલકતી છાબ ભરી, અને ચતુર માલણે બન્ને માટે મોડિયો ને છોગું ગૂંથી બન્નેને ફૂલના સાજશણગાર કરાવ્યા. મનથી તો એ પુરુષને કન્યા વરી ચૂકી. અંતરમાં પ્રતિજ્ઞા પણ લેવાઈ કે પરણું તો એને જ પરણું: નહિ તો અખંડ કૌમારનાં તપ આદરું:


મારા ખેતરને શેઢડે રાય કરમલડી રે
ફાલી છે લચકા લોળ રાય કરમલડી રે
વાળો જીગરભાઈ ડાળખી રાય કરમલડી રે
વીણો અમીવહુ ફૂલડાં રાય કરમલડી રે
વીણીચૂંટીને ગોરીએ છાબ ભરી રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ મોડિયો રાય કરમલડી રે
મોડિયો અમીવહુને માથડે રાય કરમલડી રે
તેનો ગૂંથે માલણ છોગલો રાય કરમલડી રે
છોગલો દેખી રાણી રવે ચડ્યાં રાય કરમલડી રે
પરણું તો .......ભાઈ મોભીને રાય કરમલડી રે
નીકર ઊભી તપ કરું રાય કરમલડી રે