પૃષ્ઠ:Dadajini Vato.djvu/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફૂલવંતી રાજમહેલમાં છે એવી જાણ કોઈએ રાજ-બાપુને દીધી નથી. બેશુદ્ધ ફૂલવંતીને દરિયા-મહેલમાં પોઢાડીને દાસ-દાસીઓ સુગંધી પંખા ઢોળે છે.

એમ કરતાં સતીને મૂરછા વળી. દીકરો જઈને માની બાથમાં સમાણો. દીકરે માતાને બાપનીયે વાત કરી. પણ બાપુને માતાના સમાચાર કોઈએ ન કીધા.

બાપુની થાળીમાં રોજ બત્રીસ જાતનાં ભોજન ને તેત્રીસ જાતનાં શાક મેલાય. ચમેલીનાં ફૂલ જેવા ચોખા પીરસાય. આહાહા! આવું રાંધણું આજ બાર - બાર વરસે દીઠું. અરે અન્નદેવતા! આ રસોઈનું કરનારું કોણ? આજ મારો કોઠો ઠરીને હિમ કાં થાય? આજ પૂર્વજનમના પડધા કાં પડે?

રોજ રોજ સોદાગર ઊંધું ઘાલીને જમે. પણ આજ એણે ઊંચે જોયું. પિરસનારીની આંખો સાથે આંખો મળી. બાર બાર વરસનાં દુઃખનાં પડ વીંધીને સ્વામીનાથે સતીનું મોંઢું ઓળખ્યું. હાથ ઝાલી લીધા: "બોલ, તું કોણ?"

સતીથી બોલાણું નહિ. સુખનાં આંસુડાં રેડતી સ્વામીનાથને ચરણે પડી. બાર વરસે આંસુડે પગ પખાળ્યા અને વેણીએ પગ લૂછ્યા.

"હે સ્વામીનાથ!" સતી બોલી: "આવાં એકલપેટાં સુખ શે સહેવાય! ક્યાં માતા. ક્યાં બેનડી! જાઓ, ઝટ તેડી આવો. મને પાપ બેસે છે!"

હા! હા! હા! દીકરાને મા સાંભરી. બારેય નૌકાના શઢ ચડાવ્યા. ગામને માથે મંડાણો. "હલેસાં! હલેસાં! ખલાસીઓ, ઝટ હલેસાં મારો! મા ઝૂરતી હશે!"

એક, બે, ત્રણ દી ગયા ત્યાં બંદરના બારામાં બાર વહાણ દાખલ! ઘરને આરે જ્યાં બાર બાર ઘંટડીઓ વાગતી સંભળાણી ત્યાં તો જનેતાએ રણકાર પારખ્યો.

એ મારો બેટડો આવ્યો! મારાં પેટ આવ્યાં! મારે સાત પેઠીઓ ઉજાળણહાર આવ્યો!

એવા હરખના ઉમળકા ઠાલવતી, ઠેબાં લેતી, પડતી આખડતી, બુઢ્ઢી જનેતા ઘાટને માથે દોડી. દીકરે માને માંડ માંડ ઓળખી.

"અ ર ર ર! માડી! આવા દેદાર! આ તને શું થયું?"

ડળક! ડળક! ડળક! માવડીની બેય આંખે ધારોડા હાલ્યા.

"દીકરા, આજે તને મોઢું શું દેખાડું? ઘરની લખમીને અમે રણવગડે..."

એટલું કહેતાં ગળે ડૂમો દેવાઈ ગયો.

"મા! મા! ફિકર નહિ. ભગવાને એનાં રખવાળાં કર્યાં છે."

એમ કહીને, ઘાટ ઉપર પાટિયું નાખી, માતાને વહાણ પર લઈ લીધી. બારેય વહાણનાં મોઢાં ફેરવીને રાજનગરી માથે વહેતાં મૂક્યાં. ત્યાં તો ખૂંધાળી બહેન ઘાટે દેખાણી. 'મને તેડાતો જા! મને તેડાતો જા!' એવી ચીસેચીસ દેવા માંડી. માથાં પછાડ્યાં. દરિયામાં ખાબકી. એક મગરમચ્છ આવીને એને ગળી ગયો.

રાજનગરીમાં તો ધામધૂમનો પાર ન રહ્યો. ખાધું, પીધું ને રાજ કીધું.