પૃષ્ઠ:Dadajini Vato.djvu/૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અસર વાર્તા સાંભળનાર બાળકો ઉપર ઊંડી પડે છે.

'રાજાની કાયામાં બત્રીસે કોઠે દીવા થઇ ગયા' : એ શબ્દ-રચનાની ને એ રૂપકની સચોટતા વિલક્ષણ છે.

'ધો..મ તડકો ધમી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાં અંગારા વરસે છે. ગુલાબનાં ફૂલ જેવાં પગનાં તળિયામાં ઝળેળા પડવા મંડ્યા, ગળે કાંચકી બંધાઇ ગઇ.'

શબ્દો વીણી વીણીને યોજેલાં આ મિતભાષી વર્ણનો આપણને લોકભાષાની કલામય સમૃદ્ધિનું ભાન કરાવે છે. અને જ્યાં જ્યાં એવાં ટૂંકાં ટૂંકાં વર્ણનોની વચ્ચે, અપવાદરૂપે, કોઇ રાજ-સભાનાં, ઝાડીનાં, સજેલી સુંદરીનાં, શસ્ત્રધારી શૂરવીરનાં, કોઇ યોગીનાં કે ગાંગલી ઘાંચણનાં લાંબાં વર્ણનો આવે છે, ત્યાં પણ એના બધા શબ્દાડંબરની અંદર, સજીવ ઝીણવટ, મસ્ત રૂપકો, પદ્યાત્મક ગદ્યના રણકારા અને તોલદાર શબ્દ-પ્રયોગો આપણને લોકવાણીની પ્રભુતાનું દર્શન કરાવે છે. એ વાતોમાં નથી 'કાદમ્બરી'ની એકધારી ક્લિષ્ટતા, નથી 'અરેબિયન નાઇટ્સ'ની નરી સાદાઇ, કે નથી પૌરાણિક અલંકારોનો ઠઠારો. એ તો નિત્ય નવલ છે, વિવિધતાથી ભરપૂર છે, સગવડ પ્રમાણેનાં ટૂંકાં કે લાંબાં સચોટ શબ્દચિત્રો છે.

એ સચોટતામાં પુરવણી કરનારા સ્વરપ્રધાન શબ્દો, જેવાં કે - મધરાતનાં ઘડિયાળાં ટણણન ટણણન : ઝળળળળ તેજનાં પ્રતિબિમ્બ કીચડૂક કિચડૂક હીંડોળા ખાટ : ઘરરરર આકાશને માર્ગે : ઝકાક, બકાક, ગમ ખરરર ઘોડો જાય છે : કડડડ મેડી હલબલી : ઝાળ ધરના જેવી દોમ દોમ સાયબી : એવા સ્વરપ્રધાન શબ્દો કંઠસ્થ વાર્તા-સાહિત્યની વાણીમાં શ્રાવણનો મહિમા પૂરે છે.


વસ્તુસંકલના

જેવી સજીવતા એના ભાષા-પ્રવાહમાં છે તેવી જ સ્વાભાવિક સચેતનતા એની વસ્તુ-સંકલનામાં ધબકારા કરે છે. ઘટનાઓની પરંપરા પૂરા વેગમાં ધસતી જાય છે. નવા ન ધારેલા છતાંયે પરસ્પર તદ્દન સ્વાભાવિક રીતે સંકળાયેલા પ્રસંગો એક પછી એક ફૂટતા જાય છે, ને આખરે તમામ છેડા એકમેકને મળી જાય છે. એમાં આલેખાયેલાં પાત્રો નિર્જીવ પૂતળાં નથી, એ તો ક્ષણે ક્ષણે જીવનના સાહસમાં ઝંપલાવનારાં, ઓછાબોલાં, હસતાં ને રડતાં, ભૂલતાં ને પસ્તાતાં, મૂંઝાતાં ને માર્ગ ઉકેલતાં જીવન્ત માનવીઓ છે. વાર્તાના વસ્તુ-ગૂંથણમાં મર્મ-કટાક્ષોનાં, બુધ્ધિચાતુરીના, ઠાવકાઇના સુંદર પ્રસંગોની ભાત ઊપડતી આવે છે. માટે જ એ આખો જાદુનો નહીં પણ જીવનનો પ્રવાહ છે. જાદુ તો માત્ર નદીના પ્રવાહને બન્ને કિનારે ઊગેલાં વૃક્ષો કે ગાયન ગાતાં નવરંગી પંખી કે સંધ્યા-ઉષાના ખીલતા રંગો જેવો જ ભાગ આ વાર્તાઓના કિનારા પર લઇ રહ્યું છે. પ્રવાહને એ શોભાવે છે, પોતાના પડછાયાથી રમ્ય બનાવે છે, પણ પ્રવાહને રોકતું નથી.