પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહેલમાં રાણીજી હીંડોળાખાટ ઉપર સૂતેલાં. રાજા ચોરને કહે કે ‘આ ખાટના પાયા સોનાના છે. પાયા લઈ લઈએ. એટલે છોકરાંના છોકરાં બેઠાં બેઠાં ખાય.’

પણ ખાટ શી રીતે કાઢવી ! રાણીજી જાગી જશે તો !

પછી ચોર એ ખાટ હેઠળ ઉપરાઉપરી ગાદલાં ખડકવા મંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાંખી. એટલે રાણીજીનું શરીર, નીચે ગાદલાં હતાં તેના ઉપર રહી ગયું.

પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી. એને વીંખીને ચાર પાયા જુદા કાઢ્યા, અને ચારેય પાયા લઈને બન્ને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા.

પેલો ચોર કહે : ‘લે ભાઈ ! આ બે પાયા તારા ને બે મારા. સરખો ભાગ.’

રાજા કહે : ‘હું એક જ પાયો લઈશ. મહેનત તો તારી છે.

ચોર કહે : ‘ના, તેં જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે.’

ત્યાં તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી

તરત ચોરે રાજાને કહ્યું : ‘ઓળખ્યા તમને. શાબાશ છે, રાજા ! માથે રહીને ચોરી કરાવી કે ?’

રાજા હસી પડ્યા અને પૂછ્યું : ‘તેં શી રીતે જાણ્યું કે હું રાજા છું ?’

ચોરે કહ્યું : ‘રાજાજી ! હું પંખીની બોલી પણ સમજું છું. આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો આંહીં જ ઊભો છે !’

રાજાએ શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા. બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઈનામ દીધું. એની નીતિનાં વખાણ કર્યાં. એને રાજમાં નોકરી દીધી.