પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભરાઈ જાય તો અનાજ-કપડાં પણ બધાંને પૂરતાં ન મળી શકે એવી હજુ સ્થિતિ હતી. કેમ કે લડાઈને અંગે દુકાનો તો બંધ હતી. દુકાનોમાંનો માલ ઘણોખરો બોઅર સરકાર ગરક કરી ગઈ હતી, તેથી અમુક મુદતને સારુ જ જો આ પ્રતિબંધ હોય તો ભય રાખવાનું કારણ નથી એમ મારા મનની સાથે મેં વિચાર્યું. પણ ગોરા અને હિંદીઓને સારુ ટ્રાન્સવાલ જવાનો પરવાનો લેવાની રીતમાં ભેદ હતો. અને એ શંકા અને ભયનું કારણ થઈ પડયો. પરવાનો આપવાની ઓફિસ દક્ષિણ આફ્રિકાનાં જુદાં જુદાં બંદરોમાં ખોલવામાં આવી હતી. ગોરાઓને તો માગતાં જ પરવાના મળી શકતા એમ કહી શકાય. પણ હિંદીઓને સારુ તો એક એશિયાટિક ખાતું ટ્રાન્સવાલમાં ખોલવામાં આવ્યું હતું.

આવું નોખું ખાતું એક નવો બનાવ હતો. એ ખાતાના ઉપરીને હિંદી અરજી કરે. એ અરજી મંજૂર થાય ત્યાર પછી ડરબન કે બીજા બંદરેથી સામાન્ય રીતે પરવાના મળી શકે. જો મારે પણ એ અરજી કરવાની હોત તો મિ. ચેમ્બરલેન ટ્રાન્સવાલ છોડે તેના પહેલાં પરવાનો મળવાની આશા ન જ રાખી શકાય. ટ્રાન્સવાલના હિંદીઓ તેવો પરવાનો મેળવી મને મોકલી શક્યા ન હતા. એ તેઓની શક્તિ બહારની વાત હતી. મારા પરવાનાનો આધાર તેઓએ ડરબનની મારી ઓળખાણ ઉપર જ રાખેલો હતો, પરવાનાના અમલદારને તો હું ઓળખતો નહોતો, પણ ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ઓળખતો હોવાથી તેમને સાથે લઈ જઈ મારી ઓળખાણ પડાવી. ટ્રાન્સવાલમાં હું ૧૮૯૩ની સાલમાં એક વરસ સુધી રહ્યો છું એ બતાવી પરવાનો મેળવી હું પ્રિટોરિયા પહોંચ્યો.

અહીંયાં મેં વાતાવરણ જુદું જ જોયું. એશિયાટિક ખાતું એક ભયાનક ખાતું છે અને તે કેવળ હિંદીઓને દબાવવાને સારુ જ છે એમ હું જોઈ શકયો. તેમાં નિમાયેલા અમલદારો લડાઈની વખતે હિંદુસ્તાનથી લશ્કરની સાથે આવેલા વર્ગમાંથી દક્ષિણ આફ્રિકામાં પોતાનું નસીબ અજમાવવાને રહી ગયેલામાંના હતા. તેમાંના કેટલાક તો લાંચિયા હતા. બે અમલદારની ઉપર લાંચ લેવાને સારુ કામ પણ ચાલેલાં. પંચે તો તેમને છોડી દીધા, પણ લાંચને વિશે કાંઈ શંકા