પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈન્કાર કરવા માગો છો." આ અંગ્રેજ ટ્રાન્સવાલના પરવાનાને આવું નામ આપ્યું. પોતાનો પટ્ટા વિશેનો હર્ષ ને હિંદીઓ પ્રત્યેનો તિરસ્કાર જણાવવા કે પોતાની લાગણી દર્શાવવા એ વચન કહ્યું, એ હું તે વખતે સમજી નહોતો શકયો, અને આજે પણ એ બનાવની નોંધ લેતાં કંઈ નિશ્ચય નથી કરી શકતો. કોઈ પણ મનુષ્યના કહેવાનો તેને અન્યાય થાય એવો અર્થ આપણે ન કરવો જોઈએ એ સુનીતિને અનુસરીને હું એમ માની લઉં છું કે, એ અંગ્રેજે પોતાની લાગણી બતાવવાને જ પેલા તાદૃશ ચિતાર આપનારા શબ્દો ઉચ્ચારેલા. એ ગળપટ્ટો પહેરવાની તૈયારી એક તરફથી ટ્રાન્સવાલની સરકાર કરી રહી હતી; અને બીજી તરફથી હિંદી કોમ એ પટ્ટો ન પહેરવાનો નિશ્ચય કેમ કાયમ રહી શકે અને ટ્રાન્સવાલ સરકારની કુનીતિની સામે પોતે કેમ ઝૂઝી શકે તેની તૈયારીઓ કરી રહી હતી. વિલાયત અને હિંદુસ્તાનના સહાયકોને પત્ર વગેરે લખવા અને ચાલુ સ્થિતિથી માહિતગાર રાખવા એ કામ તો ચાલી જ રહ્યું હતું. પણ સત્યાગ્રહની લડત બાહ્યોપચાર ઉપર ઘણો થોડો આધાર રાખે છે. અાંતર ઉપચાર એ જ સત્યાગ્રહમાં અકસીર ઉપચાર છે. તેથી કોમનાં બધાં અંગ તાજાં અને ચુસ્ત રહે એ ઉપાયોમાં જ આગેવાનોનો વખત જતો હતો.

એક મહત્ત્વનો પ્રશ્ન, સત્યાગ્રહનું કામ ક્યા મંડળની મારફતે લેવું એ, કોમની સામે ખડો થયો હતો. ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનમાં તો ઘણા સભાસદો હતા. તેની સ્થાપના વખતે સત્યાગ્રહનો જન્મ પણ નહોતો થયો. તે મંડળને એક નહીં પણ અનેક કાયદાઓની સામે હાથ દેવા પડતા હતા, અને હજુ દેવાના હતા. કાયદાઓની સામે થવા ઉપરાંત બીજાં રાજદ્વારી, સામાજિક અને એવી જાતનાં કામ તેને કરવાનાં હતાં. વળી એ મંડળના બધા સભાસદોએ પ્રતિજ્ઞા લીધી હતી એવું પણ ન કહી શકાય. તેની સાથે તે મંડળને અંગે બહારના જોખમનો પણ વિચાર કરવાની જરૂર હતી. સત્યાગ્રહની લડતને ટ્રાન્સવાલની સરકાર રાજદ્રોહી ગણે તો ? એમ ગણીને એ લડતને ચલાવનારી સંસ્થાઓને ગેરકાયદેસર ગણે તો ? એ સંસ્થામાં રહેલા જે સત્યાગ્રહી ન હોય તેમનું શું? સત્યાગ્રહની પૂર્વે જેણે