પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા ત્યાગનો તને ભય છે તેઓના પ્રત્યે હું ઈશુના અનુયાયી તરીકે જરાયે શોભવા ઈચ્છતો હોઉં, તો આ લડતમાં મારે જાહેર રીતે ભાગ લેવો જ જોઈએ, અને તેમ કરતાં મને મારું મંડળ તજી દે તો મારે તેમાં જરાયે દુઃખ ન માનવું જોઈએ. મારી આજીવિકા તેઓની પાસેથી મળે છે એ ખરું, પણ તું એમ તો નહીં જ માને કે આજીવિકાને ખાતર હું તેઓની સાથે સંબંધ રાખું છું, અથવા તો તેઓ મારી રોજીના આપનાર છે. મારી રોજી તો મને ઈશ્વર આપે છે. તેઓ નિમિત્તમાત્ર છે. મારા તેઓની સાથેના સંબંધની વગર બોલ્યે સમજાઈ ગયેલી એ શરત છે કે મારી ધાર્મિક સ્વતંત્રતામાં તેમનામાંથી કોઈ વચ્ચે આવી જ ન શકે. એટલે મારે વિશે તું બેફિકર જ રહેજે. હું કંઈ હિંદીઓની ઉપર મહેરબાની કરવા આ લડતમાં પડયો નથી. મારો તો ધર્મ છે એમ સમજીને પડયો છું. પણ હકીકત એવી છે કે મારા ડીન (દેવળના મુખિયા)ની સાથે મેં આ બાબતની ચોખવટ કરી લીધી છે. તેઓને મેં વિનયપૂર્વક જણાવી દીધું છે કે, જો મારો હિંદી કોમ સાથેનો સંબંધ તેઓને ન રુચતો હોય તો તેઓ મને સુખેથી રજા આપી શકે છે, અને બીજા ગોવાળ.('મિનિસ્ટર')ને રોકી શકે છે. પણ તેઓએ મને તદ્દન નિશ્ચિંત કરી મૂકયો છે એટલું જ નહીં પણ મને ઉત્તેજન આપ્યું છે. વળી એમ પણ તારે ન સમજવું કે બધા ગોરાઓ એકસરખી જ રીતે તમ લોકોની તરફ તિરસ્કારની નજરે જુએ છે. પરોક્ષપણે તમારા પ્રત્યે કેટલી બધી લાગણી છે તેનો તને ખ્યાલ ન હોઈ શકે, પણ મને તો અનુભવ હોવો જોઈએ એમ તું કબૂલ કરશે."

આટલી સ્પષ્ટ વાત થયા પછી મેં ફરી એ વિષય કોઈ દિવસ છેડ્યો જ નહીં. અને પાછળથી હજુ લડત ચાલતી હતી તે દરમ્યાન, જ્યારે ડોક પોતાનું ધર્મકાર્ય કરતાં કરતાં રોડેશિયામાં દેવલોક પામ્યા ત્યારે તેમના દેવળમાં તેમના પંથવાળાઓએ સભા કરી હતી, તેમાં મરહૂમ કાછલિયા અને બીજા હિંદીઓ તેમ જ મને બોલાવ્યા હતા; અને તેમાં મને બોલવાનું પણ નિમંત્રણ આવ્યું હતું.