પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'પણ તમારાં લૂગડાંલત્તાનું શું? ભાતાનું શું?'

'લૂગડાં પહેર્યા છે તે જ; ભાતુ સ્ટીમરમાંથી મળી રહેશે.'

મારા હર્ષનો ને આશ્ચર્યનો પાર ન રહ્યો. પારસી રુસ્તમજીના મકાન ઉપર આ વાત ચાલેલી. ત્યાં જ તેમને સારુ કંઈ કપડાં, કામળા વગેરે ભીખી, તેમને રવાના કર્યા.

'જોજો, રસ્તામાં આ ભાઈઓની પૂરી સંભાળ રાખજો, સુવાડીને સૂજો. હું મદ્રાસમાં મિ. નટેશનને તાર કરું છું. તે કહે તેમ કરજો.'

"હું સાચો સિપાહી નીવડવા પ્રયત્ન કરીશ.” આટલું કહી તે રવાના થયા. જ્યાં આવા વીર પુરુષો હોય ત્યાં હારવાનું હોય જ નહીં એમ મેં વિચારી લીધું.. ભાઈ નાયડુનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમણે હિંદુસ્તાન કદી જોયું ન હતું. મેં મિ. નટેશન ઉપર ભલામણપત્ર આપ્યો હતો. મિ. નટેશનને તાર પણ કર્યો.

એ વખતે હિંદુસ્તાનમાં પરદેશોમાં વસતા હિંદીઓનાં દુ:ખોનો અભ્યાસ કરનાર, તેમને મદદ કરનાર, તેમને વિશે રીતસર ને જ્ઞાનપૂવર્ક લખનાર મિ. નટેશન એક જ હતા, એમ કહીએ તો ચાલે. તેમની સાથે મારો પત્રવ્યવહાર નિયમિતપણે ચાલ્યા કરતો. જ્યારે આ દેશનિકાલ થયેલા ભાઈઓ મદ્રાસ પહોંચ્યા, ત્યારે તેમને મિ. નટેશને સંપૂર્ણ મદદ કરી. ભાઈ નાયડુ જેવા સમજદાર માણસ સાથે હોવાથી મિ. નટેશનને પણ ઠીક મદદ મળી. તેમણે સ્થાનિક ઉઘરાણું કરી, તેઓ દેશનિકાલ થઈ આવ્યા છે, એવું તેઓને જણાવા જ ન દીધું.

સ્થાનિક સરકારનું આ કામ જેટલું ઘાતકી હતું તેટલું જ ગેરકાયદેસર હતું. સરકાર પણ એ જાણતી હતી. સામાન્ય રીતે લોકોને ખબર નથી રહેતી કે સરકાર ઘણી વેળા પોતાના કાયદાનો ઇરાદાપૂર્વક ભંગ કર્યે જ જાય છે. ભીડ આવે ત્યારે નવા કાયદા કરવાનો વખત રહેતો નથી, એટલે કાયદા તોડીને પોતાનું મનમાન્યું કરી લે છે ને પછી કાં તો નવા કાયદા કરાવે છે અથવા કાયદાનો થયેલો ભંગ પ્રજાની પાસે ભુલાવી દે છે.

હિંદીઓ તરફથી આ સરકારે કરેલા કાયદા બાબત ખૂબ હિલચાલ થઈ. હિંદુસ્તાનમાં પણ શોર મચ્યો ને સ્થાનિક સરકારને આમ ગરીબ હિંદીઓને દેશપાર કરવું ભારે થઈ પડયું. હિંદીઓએ ભરવાં