લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પેઢી ડરબનમાં હતી, તેટલી જ પ્રખ્યાત પેઢી તેમના હરીફ અને પોરબંદરના મેમણ તૈયબ હાજી ખાનમહમદની પ્રિટોરિયામાં હતી. દુર્ભાગ્યે બે હરીફો વચ્ચે એક મોટો કેસ ચાલતો હતો. તેમાં દાદા અબ્દુલ્લાના ભાગીદાર જે પોરબંદરમાં હતા. તેમણે વિચાર્યું કે મારા જેવો નવો તોપણ બેરિસ્ટર ત્યાં જાય તો તેમને કંઈક વધારે સગવડ મળે. હું કેવળ અજાણ્યો અને મૂઢ વકીલ તેમનું કામ બગાડું એવો કંઈ તેમને ભય નહોતો. કેમ કે મારે કંઈ અદાલતમાં જઈ કામ કરવાનું નહીં હતું. મારે તો તેમણે રાખેલા ધુરંધર વકીલ બેરિસ્ટરોને સમજાવવાનું એટલે દુભાષિયાનું કામ કરવાનું હતું. મને નવા અનુભવનો શોખ હતો. મુસાફરી ગમતી હતી. બેરિસ્ટર તરીકે કમિશન આપવું એ એક ઝેર સમાન હતું. કાઠિયાવાડની ખટપટ મને અકળાવનારી વસ્તુ હતી. એક જ વરસની બંધણીથી મારે જવાનું હતું. મેં વિચાર્યું કે અા સાટામાં મને કંઈ પણ અડચણ જેવું નથી. ખોવાનું તો છે જ નહીં. કેમ કે મારા જવા આવવાનો અને રહેવાનો ખર્ચ દાદા અબ્દુલ્લા જ આપવાના હતા અને તે ઉપરાંત ૧૦૫ પાઉન્ડ. મારા મરહૂમ ભાઈની મારફત આ બધી વાત થઈ હતી. મને તો એ પિતા સમાન જ હતા. એમની અનુકૂળતા એ મારી અનુકૂળતા હતી. એમને દક્ષિણ આફ્રિકા જવાની વાત રુચી. અને હું ૧૮૯૩ના મે માસમાં ડરબન જઈ પહોંચ્યો.

બેરિસ્ટર એટલે પૂછવું તો શું હોય ? હું માનતો હતો તે પ્રમાણે ફ્રૉક-કોટ ઈત્યાદિ સરંજામ પહેરી રોફથી ઊતર્યો. પણ ઊતરતાં જ મારી અાંખ કંઈ ખૂલી. દાદા અબદુલ્લાના જે ભાગીદાર સાથે વાત થઈ હતી તેમણે જે વર્ણન આપ્યું હતું તે વર્ણન હું તો ઊલટું જ જોઈ શકયો. એ કંઈ તેમનો દોષ ન હતો. એ તેમનું ભોળપણ, તેમની સાદાઈ, તેમનું પરિસ્થિતિનું અજ્ઞાન, નાતાલમાં પડતી બધી તકલીફોનું તેમને ભાન ન હતું. અને જેમાં તીવ્ર અપમાનો હતાં એવી વર્તણૂક તેમને મન અપમાનવાળી નહોતી જણાઈ. પહેલે જ દહાડે હું જોઈ શકયો કે ગોરાઓનું વર્તન આપણા લોકોની તરફ ઘણું તોછડું હતું.