પૃષ્ઠ:Dalpatram Rachit Kavyo.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તથા આજ તારૂં હજી હેત એવું,
જળે માછલીનું જડ્યું હેત જેવું,
ગણિતે ગણ્યાથી નથી એ ગણાતું!
મહા હેતવાળી દયાળી જ મા, તું !

અરે, આ બધું શું ભલું જૈશ ભૂલી?
લીધી ચાકરી આકરી જે અમૂલી ?
સદા દાસ થૈ વાળી આપીશ સાચું !
મહા હેતવાળી દયાળી જ મા, તું !

અરે દેવાના દેવ આનંદદાતા,
મને ગુણ જેવો કરી મારી માતા,
સામો વાળવા જોગ દેજે સદા તું !
મહા હેતવાળી દયાળી જ મા, તું !

શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રિત થી જો કરે નિત્ય પાઠે,
રીઝી દેવ રાખે, સુખી સર્વ થાવે,
રચ્યા છે રૂડા, છંદ દલપતરામે.