પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જ છવાઈ ગઈ. આ મારું જીવનસ્થાન : આ મારી અમરાપુરી : અહીં મને કોઈ નહિ સંતાપે. અદાવતના, કિન્નાખોરીના, ઈર્ષ્યાના ઝેરી વાયરા અહીં સુધી નહિ જ પહોંચી શકે.

“પહાડોમાં હવે સાબરડાં રહ્યાં છે કે, ભાઈ ?” પહેલો જ સવાલ મેરિયોએ પોતાના જૂના ભાઈબંધોને પૂછ્યો.

“હોવે, હોવે ભાયા !” ડુંગરાઉ ગોવાળિયાઓએ જવાબ દીધો, “તું વગર તો ઊલટાનાં ધણધણ ઊભરાઈ પડ્યાં છે.”

“વાહવાહ દોસ્ત, મોજ જામવાની ત્યારે તો.” એમ કહેતો ખુશખુસાલ મેરિયો આટલે વર્ષે ફરી પાછો જેવો હતો તેવો જ મોજીલો શિકારી બની ગયો.

બંદૂકડી ઉઠાવીને પાછો પહાડોને ખૂંદવા લાગ્યો.

પણ ગામને સુધારવાનો નાદ એની રગેરગમાં લાગ્યો હતો. પહેલાં પ્રથમ તો ગામમાં પાણીની તંગી માલુમ પડી એટલે મેરિયોએ પોતાને જ ખર્ચે એક મોટી ટાંકી બંધાવી, એક કુંડ ગળાવ્યો ને એક જાહેર કુવારો કરાવ્યો. આનો લાભ લેવા આવનારાઓની કનેથી એણે ફક્ત નજીવી ફી ઠરાવી,

પછી એણે એક મકાન ખરીદ્યું. એને સમરાવ્યું, એમાં સરાઈ ઉઘાડીને વચ્ચેનો વિશાળ ઓરડો રાસરાસડા અને નાચ-ગરબા સારુ ફાજલ પાડી આપ્યો. સાંજે સાંજરે ત્યાં મિજલસો ભરાય, ગામડિયાં જોડલાં આવીને છુટથી ગાય-નાચે એવી એક યોજના ઘડી. ગામના કેટલાક મોટેરાઓ સતાર, તંબૂરા, સારંગી અને રાવણહથ્થા લઈ બજાવવા પણ આવતા થયા. ગામભાઈઓને મોટી મુશ્કેલી નિમક અને તમાકુની હતી. ઈટલીની સરકારમાં એ બેઉં ચીજોના ઇજારા હતા. તેથી સાત-આઠ ગાઉ ઉપરના એક કસબાતી ગામમાં નિમક-તમાકુ સારુ લોકોને જવું પડતું. મેરિયોએ સરકારમાંથી પરવાનો મેળવીને પોતે જ ત્યાં દુકાન નાખી દીધી.

થોડા દિવસમાં તો ગામડાની આખી સૂરત બદલાઈ ગઈ. શિયાળાની લાંબી રાતો રાસ-ગાનો વડે રેલી ઊઠી. પાણીનો ફુવારો અહોરાત્‌ ગુંજવા લાગ્યો. અને નિમક-તમાકુ માટે ગામ લોકોને આઠ આઠ ગાઉના આંટા મટી ગયા. પરંતુ આ સુખસ્વપ્નમાં મહાલતા નિર્દોષ મેરિયોને ક્યાં ખબર હતી કે એણે એક ભોરિંગને છંછેડ્યો હતો !

એ ભોરિંગ બીજો કોઈ નહિ પણ ગામનો કાળી કફનીવાળો સાંઈ ફેબ્રિસ હતો. આજ સુધી ગામ ઉપર એ ધર્મગુરુની જ આણ ફરતી. બે પ્રેમીઓનું જોડું પોતાનું વેવિશાળ પણ એની રજા વિના નહોતું કરી શકતું. એની મુન્સફી એ જ કાયદો. એનો ખોફ વહોરનાર પાયમાલ થઈ જાય. એની ભ્રૂકુટિ સામે લોકો થરથરતા, એના શાપથી ધનોતપનોત નીકળી જાય એવું આ વહેમીલાં ગામડિયાંનું માનવું હતું. મરી જનાર માણસ જો પોતાની જમીનનો ટુકડો ‘જગ્યા’ને સુપરદ ન કરી જતો તો આ સાંઈ એના વારસ પાસેથી જોરાવરીએ મેળવતો.

આજ એ ધર્મગુરએ પોતાની હાકેમી તૂટી પડેલી દીઠી. પોતાને પટકનાર મેરિયો એની આંખોમાં દિવસ-રાત ખટકવા લાગ્યો. વળી બળતામાં ઘી હોમાયું. મેરિયોને માલૂમ પડ્યું કે નાના ભાઈએ એના ભાગની જમીનમાંથી એક ખેતર ‘જગ્યા’ ને ખેરાત કરી દીધેલું છે. મેરિયો પહોંચ્યો સરકારી કચેરીમાં. એણે કહ્યું કે ‘મારી મંજૂરી વગર ધર્માદામાં જમીન આપી દેવાનો મારા ભાઈને હક્ક જ નથી’. પણ ગામના મ્યુનિસિપલ સેક્રેટરીએ એને કોઠું જ ન

મેરિયો શિકારી
437