પૃષ્ઠ:Dariyaparna Baharvatiya.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક ખૂનના તહોમતદાર કને જઈને આ બાપડાએ પેલાને વકીલાતફકીલાત કરવાનું કે બચાવફચાવનો અટપટો માર્ગ ત્યજાવી પોતાના પાપનો સીધો એકરાર કરી નાખવાનો બોધ આપેલો. વિલાયતના ધારાશાસ્ત્રીઓએ વુલ્ફની આવી માનવતાભરી દરમિયાનગીરી ઉપર તડાપીટ બોલાવી હતી પરિણામે વુલ્ફને સ્કૉટલેન્ડ યાર્ડમાંથી દૂર થવું પડેલું.

2-5-‘32
ઝવેરચંદ મેઘાણી
 
[બીજી આવૃત્તિ]

ચૌદ વર્ષો પરની આ ચોપડીનું, ‘વર્તમાનયુગના બહારવટિયા’ એવું મૂળ અંગ્રેજી પરથી રાખેલું નામ હતું. તેને આ વેળા ફેરવવાનું કારણ એ છે કે, આગલું નામ વિભ્રમકારી હતું : નામ માત્ર પરથી ખરીદનારને વિભ્રમ એવો થાય કે આ તો વર્તમાન યુગના કોઈ દેશી કે પરદેશી રાજદ્વારી બળવાખોરોની વાતો હશે. બીજી બાજુ, નામ ફેરવવાથી મારી કૃતિઓના ચાહક વર્ગને હું નુકસાન તો નથી કરતો ને ? – એ પણ વિચારી જોયું છે. નુકસાન થવાનો ભાગ્યે જ સંભવ છે. ચૌદ વર્ષો પર જેની ફક્ત એક જ હજાર પ્રતો કાઢી હતી તે ચોપડીની આ નવી આવૃત્તિ આજે જેમના હાથમાં જનાર છે તે વાચકસમૂહ તો લગભગ નવી પેઢીનો હશે.

અમદાવાદ : 7-2-’46
ઝવેરચંદ મેઘાણી
 
414
બહારવટિયા-કથાઓ