પૃષ્ઠ:Dayaram Lekhan.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હરિ, જેવો તેવો હું દાસ તમારો


હરિ, જેવો તેવો હું દાસ તમારો
કરુણાસિંધુ ગ્રહો કર મારો ..

સાંકડાના સાથી શામળિયા, છો બગડ્યાના બેલી,
શરણ પડ્યો ખલ અમિત કુકર્મી, તદપિ ન મુકો ઠેલી ..

નિજ જન જૂઠાની જાતિ લજ્જા, રાખો છો શ્રીરણછોડ,
શૂન્ય-ભાગ્યને સફળ કરો છો, પૂરો વરદ બળ કોડ ..

અવળનું સવળ કરો સુંદરવર, જ્યારે જન જાય હારી,
અયોગ્ય યોગ્ય, પતિત કરો પાવન, પ્રભુ દુઃખ-દુષ્કૃત્યહારી ..

વિનતિ વિના રક્ષક નિજ જનના, દોષ તણા ગુણ જાણો,
સ્મરણ કરતાં સંકટ ટાળો, ગણો ન મોટો નાનો ..

વિકળ પરાધીન પીડા પ્રજાળો, અંતરનું દુઃખ જાણો,
આરત બંધુ સહિષ્ણુ અભયંકર, અવગુણ નવ આણો ..

સર્વેશ્વર સર્વાત્મા સ્વતંત્ર દયા પ્રીતમ ગિરિધારી,
શરણાગત-વત્સલ શ્રીજી મારે, મોટી છે ઓથ તમારી ..