પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેશી રાજ્યોનો પ્રશ્ન

અપેક્ષા નથી રાખતા એ મતલબનો સંદેશો તમને આણી આપવાનું, તમે ઇચ્છો તો, હું જીવનું જોખમ ખેડીને પણ માથે લઉં. સભાપતિજી, હિંદુસ્તાનના કોઈ પણ શહેરમાં — તે શહેર બ્રિટિશ હિંદમાં હો કે આપણા રાજાઓના અમલવાળા હિંદમાં હો — જ્યારે જ્યારે હું મોટો મહેલ બનતો જોઉં છું ત્યારે ત્યારે મને એકદમ અદેખાઈ આવે છે ને હું કહું છું, ‘અરે, આ પૈસા તો ખેડૂતોના ખીસામાંથી આવ્યા છે.’ આપણા દેશની ૭૫ ટકા ઉપરાંત વસ્તી ખેડૂતોની છે; અને મિ. હિંગિનબૉટમે કાલે રાતે તેમની સુંદર વાણીમાં આપણને કહ્યું કે, એ જ માણસો ઘાસના એક તરણાની જગાએ બે ઉગાડનારા છે. પણ જો એમના શ્રમનું લગભગ બધું ફળ આપણે તેમની પાસેથી લઈ લઈએ અથવા બીજાને લઈ જવા દઈએ, તો આપણામાં સ્વરાજની ભાવના ઝાઝી ટકી શકે નહિ. આપણો ઉદ્ધાર ખેડૂતો મારફતે જ થવાનો છે. વકીલો કે ડાક્ટરો કે ધનિક જમીનદારોથી એ કામ થવાનું નથી.

(અંગ્રેજી પરથી)

આ (બ્રિટિશ) અમલના લખલૂટ ખરચે આપણા રાજામહારાજાઓને ઘેલા બનાવી મૂક્યા છે. તેઓ પરિણામની દરકાર કર્યા વિના એ ઉડાઉપણાની નકલ કરે છે ને પોતાની પ્રજાઓના દળીને ભૂકા કરે છે.

યંગ ઈંડિયા, ૧૨–૧–૧૯૨૮