પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪
દેશી રાજ્યોનો પ્રશ્ન

આજના નરેન્દ્રો જ્યાંસુધી જુલમ, અન્યાય, અત્યાચારથી આ હિંદભૂમિને હત્યાકાંડની ભૂમિ નહિં બનાવે, તેમના હદ બહારના ત્રાસથી કલંકિત થયેલી આ ભૂમિને તેમની નિર્દોષ પ્રજાના નિર્મળ રક્તથી નહિ ધુએ, તેમની પાપબુદ્ધિને તે ગરીબડી પ્રજાની ચિંતા ખડકાવી તેની ઊની ઊની જ્વાળા અને તે બળતાં જીગરોના અંતરની ગરમાગરમ હાયવરાળો બાળીને ભસ્મીભૂત નહિ કરે, ત્યાંસુધી આ દેશની, આ નરેન્દ્રોની, આ પ્રજાની શુદ્ધિ કે નવજીવન નહિ સંભવે. કદાચ થાય તોપણ નકામું નીવડે, નુકસાનકારક નીવડે.

આજે હૃદય ખોલીને સાચું જ કહેવા દો કે, મને તો, આ આપણા દેશી રાજાઓનો આજનો ઇતિહાસ જોતાં, તેમના કરતાં બ્રિટિશ સરકારમાં વધુ શ્રદ્ધા છે. એ દેશી રાજ્યો કરતાં કાંઈક સારો ન્યાય, કાંઈક વધુ છૂટ આ સરકાર આપે છે—આ વાત જ સાચી લાગે છે. આપની માન્યતા કે શ્રદ્ધા ગમે તે હોય, પણ જ્યાંસુધી એક બળવાન ભાઈ પોતાના નિર્બળ ભાઈને પીડા, જુલમ અને ત્રાસ આપે ત્યાંસુધી તે નિર્બળ ભાઈને કોઈના આશ્રયની જરૂર રહેવી જ જોઈએ, અગર તો તે જુલમી ભાઈને હાથે જમીનદોસ્ત થવું જ ઘટે.

સેવક આપનો, આપના આત્મબળનો, આપની અટલ શ્રદ્ધાનો પ્રશંસક છે. આપના જેટલી શ્રદ્ધા તો અમને ન રહી શકે. તેથી જ સ્વરાજમાં આ પળે શ્રદ્ધા લોપ થવા પામી હશે. પણ આપ આ અશ્રદ્ધાનું સમાધાન કરશો તે સત્ય જ હશે એવી શ્રદ્ધા અત્યારે પણ ધરાવું છું. તો આ અશ્રદ્ધાનું સમાધાન કરશો એવી આશા છે.”

આમાંથી દેશી રાજ્યો વિષે ‘સેવકે’ જે વિગતો આપી છે તે ભાગ મેં કાઢી નાંખ્યો છે.

શ્રદ્ધા કોઈની આપી અપાતી નથી. એટલે ‘સેવકે’ માગેલી શ્રદ્ધા તો તેણે પોતે જ મેળવવી કે અનુભવવી રહી. પણ હું